Monday, 24 June 2024

શું વિરોધ અને વિવાદ છે? ‘મહારાજ’

 

શું વિરોધ અને વિવાદ છે? ‘મહારાજ’

Maharaj, Maharaj True Story, Maharaj Real Story, Maharaj Netflix, Maharaj Netflix True Story, Maharaj Netflix Junaid Khan, Junaid Khan debut movie Maharaj, Maharaj Real Life Karsandas Mulji, OTT- True Scoop

 

 

              ધર્મ એવો રસ્તો છે, જે આપણને ઈશ્વર કે ખુદા સુધી પહોંચાડે છે. આપણને સાચું જીવન જીવતા શીખવે છે. પ્રામાણિકતાના રસ્તે ચાલતા શીખવે છે. જીવનમાં મૂલ્યોની શિક્ષણ આપણે ધર્મ થકી જ મેળવી શકીએ છીએ. આપણે ભારતના લોકો આપણાં ધર્મ પ્રત્યે કે પછી સંપ્રદાયો પ્રત્યે એટલા બધા લાગણીશીલ છીએ કે આપણી એ લાગણીઓનો ગમે તે લોકો ગલત ફાયદો ઉઠાવી જાય છે. આપણે ધર્મ પ્રત્યેની લાગણીઓને એરા-ગેરા એવા ગમે તેવા લોકો છંછેડી જાય છે અને આપણે છંછેડાઈ પણ જઈએ છીએ. અને આપણાં જ દેશની મહત્વની સંપતિને નુકસાન પહોંચાડીએ છીએ.

   એના કરતાં પણ અગત્યનું એ છે કે આપણે એ લોકોના પબ્લિસિટી સ્ટંટના શિકાર બની જતાં હોઈએ છીએ. હમણાં હમણાં આમિરખાનના દીકરા જૂનેદખાનને ઇનટ્રોડ્યુસ કરવા બનાવેલી ફિલ્મ મહારાજ સામે અમુક સંપ્રદાયના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આ ફિલ્મ લેખક સૌરભ શાહના પુસ્તક મહારાજ પરથી બનાવેલી છે. જે પુસ્તક ઇ.સ. 1860માં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.

 ઇ.સ. 1860માં કરસનસદાસ મૂળજી નામના એક ગુજરાતીએ સત્ય પ્રકાશ નામે એક ગુજરાતી સમાચાર પત્રમાં જદુનાથજી બ્રીજરતનજી મહારાજ કે જેઓ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના  અગ્રણી ધર્મગુરુ જદુનાથજી બ્રીજરતનજી મહારાજ પર કથિત જાતીય ગેરવર્તણૂકને ખુલ્લી પાડતો લેખ લખ્યો હતો. એ લેખમાં કરસનદાસ મુળજીએ ધર્મગુરુના ધાર્મિક પ્રથાઓના ઓઠા હેઠળ મહિલાઓના શોષણ વિષે માહિતી આપી હતી.

  જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ બોમ્બે સુપ્રીમ કોર્ટમાં કરસનદાસ મુલજી અને તેના પ્રકાશક નાનાભાઈ રૂસ્તમજી રાનીના સામે 21 ઓક્ટોબર 1860ના રોજ પ્રકાશિત થયેલા એ લેખ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરેલો. જેનો ચુકાદો ઇ.સ. 1862માં આવેલો. કોર્ટમાં જદુનાથજી મહારાજને પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિષે કેટલીક અગત્યની બાબતો પૂંછવામાં આવેલ, જેનો તેઓની પાસે કોઈ જવાબ નહોતો! એટલું જ નહી વૈષ્ણવોનું સૌથી પ્રખ્યાત યાત્રાધામ શ્રીનાથજી ક્યાં આવેલું છે? તે પણ તેઓને નહોતી ખબર! જે સંપ્રદાયના તેઓ ધર્મગુરુ હતા, તેના વિષેની પાયાની માહિતી જ તેઓ પાસે નહોતી.

   કોર્ટે એવું કહીને ચુકાદો કરસનદાસજીની તરફેણમાં આપેલો કે આ લેખ કોઈ સંપ્રદાય વિરુદ્ધ નહી, પણ એક વ્યક્તિ જે પોતાના પદનો ગલત ફાયદો ઉઠાવી રહ્યા હતા, તેઓની વિરુદ્ધમાં લખાયો હતો. કોર્ટે જદુનાથજી મહારાજને કરસનદાસજીને 11500નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપેલો. આ કેસને આધાર તરીકે લઈને મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે. જેનો વિરોધ વૈષ્ણવ સંપ્રદાયના લોકો દ્વારા ઠેર ઠેર થઈ રહ્યો છે. આ મામલો કોર્ટમાં ગયો છે અને કોર્ટે ફિલ્મની રીલીઝ અટકાવી દીધી છે. સોસિયલ મીડિયા પર આ મૂવી ના જોવા બાબતે પોસ્ટ વાઇરલ થઇ રહી છે.

  વળી એક વખત રામલીલા અને પદમાવતની રીલીઝ વખતે જે થયુ હતું તે થઈ રહ્યું છે. આ બંને મુવીમાં અસાધારણ કશું નહોતું, પણ પબ્લિસિટી સ્ટંટને લીધે ફિલ્મો ચાલી ગઈ. આપણે જ્યારે પણ વિરોધ કરીએ, પેલા સમજી લઈએ કે સાચી હકીકત શું છે? હકીકત જાણ્યા-સમજ્યા વિના જો આવી જ રીતે આપણે વિરોધ કરતાં રહીશું તો દરેક વખતે આપણી લાગણીઓનો કોઈને કોઈ ગલત ફાયદો ઉઠાવતા રહેશે. આ એક ઐતિહાસિક કેસ છે, એનાથી વિશેષ બીજું કશું નહી.

   જેટલો વિરોધ કરીશું, એટલી જ કુતુકુલતાથી લોકો મૂવી જોવા જશે. અને એ જ મૂવી બનાવનારા લોકોને જોઈએ છે. અગાઉના હિટ થયેલા મુવીઝની જેમ આ મુવીમાં પણ કઈ નહી હોય તોપણ તે ચાલી જશે. આનો સાચો વિરોધ છે, એનો વિરોધ ના કરવો તે! આપણા સંપ્રદાયોમાં જે કઈ સડો પેસી ગયો છે, એનાથી કોઈ અજાણ્યું નથી. હકીકતમાં તો આપણે સૌએ આપણી આંધળી અંધશ્રદ્ધાનો વિરોધ કરવાની જરૂર છે. જે કામ કરસનદાસ મૂળજીએ કર્યું હતું તે આપણે પણ કરવાની જરૂર છે.

  કોઈ એક મૂવીથી આવા સુંદર સંપ્રદાય કે જેનો પાયો ખુદ શ્રીકૃષ્ણ ભગવાન છે, તેને કશું થઈ જવાનું નથી. આ મૂવી બનાવનાર ભવિષ્યમાં બીજા કોઈ ધર્મમાં રહેલી આવી ખામીઓને દર્શાવતી ફિલ્મ બનાવશે તેવી તેઓ પાસે અપેક્ષા.. મૂળ વિવાદ જ ત્યાં છે. સનાતન કે હિન્દુ ધર્મ વિષે તમે ગમે ત્યારે ગમે તે લખી શકો છો કે મૂવી બનાવી શકો છો, અમુક ધર્મ કે સંપ્રદાયો વિષે આવું સાચું લખી કે બોલી શકાતું નથી. યાદ કરો નુપુર શર્મા વાળો કિસ્સો, હજી તેઓ જાહેરમાં ક્યાય દેખાતા નથી! છાશવારે આ ધર્મને નિશાન બનાવવામાં આવે છે.

  તમે સત્ય જ દેખાડવા માંગો છો, તો દરેક સંપ્રદાયનું બતાવો. કોઈને ચીતરવાનો નહી, તેનું સાચું ચિત્ર દેખાડવાનો પ્રયત્ન કરો.

 

Thursday, 20 June 2024

નીટ-2024 ......... રી-નીટ પણ આ જ વર્ષે લેવાશે કે કેમ?

નીટ-2024 ......... રી-નીટ પણ આ જ વર્ષે લેવાશે કે કેમ? 

 NEET-UG 2024 controversy: Bihar engineer confesses 'paper leak', 'Mantri  Ji' connect comes to fore - BusinessToday

   નીટ-2024, જરાપણ નીટ નથી રહી. અનેક વિવાદોથી ઘેરાયેલી આ પરીક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહ્યું છે. નીટ આપવી અને નીટમાં સારા માર્ક્સ આવે એ માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતાં હોય છે. પોતાના બધા જ શોખોને બે વર્ષ માટે અભેરાઈએ ચડાવીને વિદ્યાર્થીઓ રાત-દિવસ જોયા વિના આ પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. માતા-પિતા પણ પોતાનું સંતાન આ પરીક્ષામાં સારા માર્ક્સ આવે, એ માટે પોતાનાથી બનતું કરી છુટતા હોય છે. અગાઉ નીટ ઓલ-ઇન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ (AIPMT) તરીકે ઓળખાતી. તે સમગ્ર દેશમાં તમામ તબીબી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતી એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA) દ્વારા લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં આ પરીક્ષા દર વર્ષે લેવાય છે.

 

  સારામાં સારી શાળાઓમાં, સારામાં સારા ક્લાસીઝમાં પોતાના સંતાનોને માતા-પિતા મોકલતા હોય છે. એના માટે માતા-પિતા ઘણીવાર પોતાની આખી જિંદગીભરની કમાણી દાવ પર લગાવી દેતાં હોય છે. કોઈ એક વર્ષે નીટની પરીક્ષામાં સારા માર્ક્સ ના આવે તો વિદ્યાર્થીઓ રી-નીટ માટે પણ તનતોડ મહેનત કરતાં હોય છે. આંખોમાં ડોક્ટર બનવાના સપના લઈને હજારો હોશિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પોતાનું સઘળું દાવ પર લગાવી દેતાં હોય છે. અને એ પરીક્ષામાં આ વર્ષે અનેક છબરડા અને ગેરરીતિઓ થઈ હતી. જે હવે ધીમે ધીમે બહાર આવી રહી છે.

  ગયા મહિને 5મી મેના રોજ લેવાયેલી આ પરીક્ષા આશરે 24 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. અને હવે આ પરીક્ષા સાથે જોડાયેલા વિવાદો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા.. નીટની પરીક્ષા ચાલુ હતી, ત્યારે જ આ પરીક્ષા રદ કરવાની માંગણીઑ થઈ હતી, કારણકે રાજસ્થાન અને બિહારમાં આ પેપર લીક થયાના સમાચારો લીક થઈ ગયા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા આપી નીટની પરીક્ષા પાસ કરી લેવાની ગેરંટી લઈ લીધી હતી. તો ઘણા પરીક્ષા કેન્દ્રો પર નીટનું પેપર વિદ્યાર્થીઓને આપવામાં મોડુ થઈ ગયું હતું, તો કેટલાયે કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તેઓના માધ્યમ કરતાં અલગ જ માધ્યમનું પેપર આપી દેવાયું હતું! વળી કેટલાક પ્રશ્નોનાં એક કરતાં વધુ સાચા જવાબો વિકલ્પોમાં અપાયેલા હતા. નીટ-2024ની પ્રોવિઝનલ આન્સર કી બાબતે પણ વિવાદો થયેલા.

  10 દિવસ વહેલા અપાયેલા નીટના પરિણામે દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાવી દીધો છે. નીટનું પરિણામ લોકસભાના પરિણામોની જેમ ઘણાને અનપેક્ષિત લાગી રહ્યું છે.  પૂરા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યાએ બધાને ચોંકાવી દીધા છે. 2023માં પૂરા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર બે હતી, જે આ વર્ષે વધીને 67 ની થઈ ગઈ! એક જ સેન્ટરના ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ આવ્યા છે!  જે કેન્દ્રો પર પેપર મોડુ  દેવાયું હતું, તે કેન્દ્રોના વિદ્યાર્થીઓને 70/80 ગ્રેસિંગ માર્ક્સ આપી દેવાયા. ત્યારબાદ તો વિવાદો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપ્યા તો તેઓના માર્ક્સ 718/719 સુધી પહોંચી ગયા, જે નીટની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ મુજબ શક્ય નથી!

  કેટલાયે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ દ્વારા આ પરિણામનો વિરોધ થયો. જેને લઈને જે તે કેન્દ્ર્ના એ 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મેડિકલમાં પ્રવેશ-કાર્ય નહી અટકે એવું ફરમાન કરી દીધું છે. હવે એ વિદ્યાર્થીઓની પરીક્ષા 23મી જૂને લેવાશે. અને 30મી જૂને પરિણામ આવશે. કોઈ સસ્પેન્સ થ્રીલર મુવીની જેમ નીટ-2024માં રોજ નવા નવા સસ્પેન્સ ખૂલી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દિન-પ્રતિદિન અસંતોષ વધી રહ્યો છે. નીટની પરીક્ષા આ વર્ષે ફરીથી લેવાય એવી પણ માંગણીઓ થઈ રહી છે.

  જો લોકસભાની ચૂંટણીને લીધે વ્યવસ્થા નહોતી થઈ શકે એમ તો નીટની પરીક્ષા થોડી મોડી લેવાની જરૂર હતી. 10દિવસ વહેલું પરીણામ શા માટે આપી દેવાયું? દેશના હોનહાર વિદ્યાર્થીઓ માટે સૌથી જરૂરી પરીક્ષામાં જો આટલા બધા ગોટાળા થઈ શકે, તો સામાન્ય પરીક્ષાઓમાં કોઈ શું ધ્યાન આપતું હશે? વળી દરેક પ્રવેશ પરીક્ષાના પેપર કઠિનતા મૂલ્યને ધ્યાનમાં લઈને કાઢવાના હોય છે. તો પછી એક વર્ષ પેપર સહેલું અને એક વર્ષ એકદમ અઘરું એવું શા માટે? આમ વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન કેમ થઈ શકે? એક વર્ષે 570 માર્કસ લાવનારને એમ.બી.બી.એસ. માં પ્રવેશ મળી જાય અને બીજા વર્ષે એટલાજ માર્ક્સ મેળવનારને પ્રવેશ ના મળે!

  છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં મોટા ભાગની મહત્વની પરીક્ષાઓના પેપર્સ ફૂટી રહ્યા છે, એમાથી કેટલાને સજા થઈ? દેશના ભાવી નાગરીકોના ઉજ્જવળ ભાવી સાથે રમત કરનાર આ લોકોને સજા કોણ આપશે? દેશની સૌથી મહત્વની પરીક્ષાના સંચાલનમાં પડેલા આ ગાબડાં કોણ પુરશે? વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ?

  

  

Thursday, 30 May 2024

આપણે જીવંત આત્માને શાંતિ આપવા માંગીએ છીએ કે મૃત??

 આપણે જીવંત આત્માને શાંતિ આપવા માંગીએ છીએ કે મૃત??

       મૃત્યુ બાદ જીવન છે? મૃત્યુ બાદ માણસો ક્યાં જાય છે?  આત્મા શું છે? આત્માનું પરમાત્મા સાથે કોઈ જોડાણ છે ખરું? આપણે મૃત્યુ પામીએ પછી આ આત્મા ક્યાં જાય છે? વગેરે વગેરે સવાલો લગભગ મોટા ભાગના લોકોના મનમાં ઉઠતાં રહે છે. આ બધા સવાલો બ્રહાંડના એવા રહસ્યો છે, જે હજી અડધા ઉકેલાયા છે. અને થોડુંઘણું ઉપરવાળાએ પોતાની પાસે સીક્રેટ રાખ્યું છે. જે સીક્રેટ જાણવાની તાલાવેલી માણસોમાં સદીઓથી રહેલી છે. વિજ્ઞાન અને દરેક ધર્મે આ રહસ્યોને ઉકેલવાની કોશીશો સતત અને સખત કરેલી છે, અને દરેકે પોતાની રીતે ઉકેલો પણ આપ્યા છે. પણ આપણે તો આજે જીવન અને મૃત્યુ વચ્ચે જે જિંદગી આપણે જીવીએ છીએ, જે સંબંધો આપણે જોડીએ છીએ તેની સાથે અહેસાસો જોડાયેલા  છે કે અફસોસો એની ચર્ચા કરવી છે.

 

  કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણને થોડા દિવસો સુધી સ્મશાન વૈરાગ્ય આવી જતું હોય છે. આપણું અહી કોઈ નથી અને બધુ જ છોડીને જવાનું છે. (જો કે આ જ્ઞાન બહુ લાંબો સમય ટકતું નથી. ઘણીવાર તો જે તે વ્યક્તિના મૃત્યુ બાદ તરત જ મિલકતના ઝઘડા ચાલુ થઈ જતાં હોય છે.) ગઇકાલ સુધી જે આપણી સાથે હતું, એ વ્યક્તિત્વ આજે એવી જગ્યાએ જતું રહ્યું છે, જે જગ્યા વિષે કોઈ પાસે કોઈ જ માહિતી નથી. વર્ષોના સંબંધો એક જ ઝાટકે દૂર થઈ જતાં હોય છે. એમાં પણ જો મૃત્યુ એકાએક અને અચાનક આવે તો એ ખાલીપો પૂરવો એકદમ અઘરો બની રહેતો હોય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ નાની ઉંમરની હોય તો એ મૃત્યુ જીરવવું પણ અઘરું બની જતું હોય છે. મૃત્યુ ગમે ત્યારે ગમે તેને આપણાથી દૂર લઈ જઇ શકે છે.

 

  મોટા ભાગના કિસ્સાઓમાં મૃત્યુ સાથે જ આગલા જન્મનું સઘળું ભૂલાય જતું હોય છે. ઈશ્વરની મેમરી ડિલીટ કરી દેવાની એ સ્ટાઈલ સૌથી યુનિક છે. તેમાં રી-સ્ટોરનો કોઈ વિકલ્પ જ નથી. જિંદગીભર આપણે ભલે બધુ પકડી રાખવાની જીદ લઈને બેસી જતાં હોઈએ, પણ મૃત્યુ આપણી પાસેથી સઘળું છોડાવી દે છે. મૃત્યુ બાદ સ્વજન કે પ્રિયજનની આંખોમાં અહેસાસના આંસુઓ ઓછા હોય છે, મોટાભાગે સાથે રહીને જે જીવી ના શકાયું તેનો અફસોસ આંખોમાથી ધોધ સ્વરૂપે વહેતો હોય છે!

    મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને શાંતિ મળે એ માટે આપણે કેટલા કેટલા પ્રસંગો કરતાં હોઈએ છીએજીવતા તીર્થને હેરાન કરી, મૃત્યુ પામેલા પિતૃઓ પાછળ આપણે અનેક સામાજિક અને ધાર્મિક પ્રસંગો કરતાં હોઈએ છીએ. જીવતા વડીલોને ઘણીવાર પાણીના પ્યાલા માટે તરસાવી મૂકીએ છીએ, અને પછી પાણીના ઘડે ઘડા ભરીને પાણી પાતા હોઈએ છીએ. આટલો જ ખર્ચો જો એ વ્યક્તિ જીવતી હતી, ત્યારે એની પાછળ કર્યો હોત કે પછી આટલી લાગણીઓ એ વ્યક્તિ જીવંત હતી ત્યારે તેના તરફ રાખી હોત તો જિંદગી એકદમ આનંદ અને મોજમજા સાથે પસાર થઇ હોત! પણ અફસોસ એવું થતું નથી આપણે વ્યક્તિ જીવિત હોય ત્યારે એનું ધ્યાન નથી રાખતા અને મૃત્યુબાદ મોટા મોટા અને ખોટા ખોટા દેખાડા કરતાં રહીએ છીએ.

  મૃત્યુ બાદ શું વિધિ કરવાની છે? આપણી પાસે એનું લાંબુ લિસ્ટ છે, અને એ લિસ્ટ મુજબ આપણે વિધિઓ પણ કરાવીએ છીએ.  પણ જીવંત વ્યક્તિ સાથે કેવી રીતે રહેવું? એનું લિસ્ટ હોવા છતાં આપણે ફોલો કરતાં હોતા નથી. મૃત્યુ પામનાર વ્યક્તિનું શરીર એક જ વાર આગમાં સળગીને રાખ થઈ જતું હોય છે, પણ જીવતા વ્યક્તિનું શરીર તો રોજ અહમ, ઈર્ષ્યા, વેરઝેર, ની આગમાં સળગતું રહે છે. ઘણા સંબંધોના અહમ તો મૃત્યુની આગ સાથે જ પીગળે છે. એક નાની અમથી વાતમાં વર્ષો સુધી સંબંધો તૂટેલા રહે છે. કરચો ખૂંચતી રહે છે, પણ અહમને છોડીને એ કરચો આપણે દૂર નથી કરતાં. કેટલા બધા પુસ્તકો આપણે વાંચતાં રહીએ છીએ, સંબંધો અંગેના સેમિનારોમાં હાજરી આપતા હોઈએ છીએ, પણ મનને આપણે સમજાવી શકતા નથી કે નજીકની કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કરીને મનને સાફસુથરું કરી લઈએ.

  મૃત્યુ બાદ જીવન છે કે નહી? એ સવાલનો જવાબ મેળવવાની કોશિશો શા માટે કરતાં રહેવી? એ કુદરતી ક્રમ છે અને કુદરત એને જાળવી લેશેવળી કોઈ વ્યક્તિ સાથે મરી નથી શકાતું, પણ જીવી જરૂર શકાય છે. માટે એ વ્યક્તિ સાથે અહેસાસોથી જોડાયેલા રહીએ, સંવેદનાઓથી જોડાયેલા રહીએ. બસ મરીએ ત્યાં સુધી જીવી લઈએ.

 

 

   

 


Wednesday, 15 May 2024

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

 

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

CBSE set to conduct Class 10, 12 board exams from tomorrow - Hindustan Times

 

 

                  આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનું સોસિયલ મીડિયા સ્ટેટસ પોતાના સંતાનોના માર્ક્સથી છલકાઇ રહ્યું છે. પરીક્ષામાં પહેલા પાસ થવું અઘરું હતું, હવે ફેઇલ થવું અઘરું થઈ ગયું છે! આટલા અધધધ પરિણામ જોઈને સવાલ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ એકદમ હોશિયાર થઈ ગયા છે. ધોરણ 9 સુધી હવે કોઈને નાપાસ નથી કરવાના અને દસમા અને બારમામાં ઇવન વિજ્ઞાન-પ્રવાહમાં પણ હવે કોઈ નાપાસ થતું નથી. નવા સત્રથી શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓથી ઉભરાઇ જવાની.

   આ વર્ષે ધોરણ12 વિજ્ઞાન-પ્રવાહનું પરિણામ 82% આવ્યું, આપણા વખતે 28% પણ નહોતું આવતું! એવી જ રીતે કોલેજોમાં પણ આવું જ પરિણામ આપવામાં આવી રહ્યું છે. જૂની શિક્ષણ-પદ્ધતિમાં કોલેજમાં ફર્સ્ટ-ક્લાસ મેળવવો પણ અઘરો બની જતો, બહુ ઓછા વિદ્યાર્થીઓને 70% ઉપર માર્ક્સ આવતા, અને હવે તો 90% ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને રાફડો ફાટે છે. એમાં વળી પી.આર. ની માયા શરૂ થઈ. ( જો કે હજી 80% વાલીઓને અને શિક્ષકોને આ પી. આર. શું છે? એની ખબર નથી!)

  વળી પી.આર. ગણતી વખતે માત્ર અમુક વિષયના માર્ક્સ જ ગણવામાં આવે છે. પણ વિદ્યાર્થીઓને એડમિશન આપતા સમયે શૈક્ષણિક સંસ્થાઓ પર્સનટેજને ધ્યાનમાં લેતી હોય છે! જો અમુક વિષયો જરૂરી જ ના હોય તો શા માટે વિદ્યાર્થીઓ પર તે વિષયનું ભારણ નાખવામાં આવે છે? વિજ્ઞાન પ્રવાહ પહેલા સીલેકટેડ વિદ્યાર્થીઓનો પ્રવાહ ગણાતો, પણ હવે આ પ્રવાહ એટલો વિશાળ થઈ ગયો છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમાં તણાઇ જાય છે!

   પહેલા વિદ્યાર્થીઓ ઓછા ધોરણ ભણતા તો પણ જાજુ આવડતું અને હવે બહુ ભણે છે, તો પણ ઓછું આવડતું હોય છે. પાયો તો એટલો નબળો હોય છે કે કારકિર્દીની ઇમારત મજબુત બનતી જ નથી. દર ત્રણ વર્ષે કોઈ એક પ્રવાહનો ટ્રેન્ડ આવે છે, અને વિદ્યાર્થીઓ એ તરફ દોડ લગાવતા રહે છે, એ ત્રણ વર્ષ પછી ભણીને બહાર આવે તો પેલો ટ્રેન્ડ બદલાઈ ચૂક્યો હોય છે!  વિજ્ઞાનની પ્રયોગશાળામાં ના થાય એટલા પ્રયોગો વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે થઈ રહ્યા છે. અને એ પ્રયોગોમાં વિદ્યાર્થીઓ એ નથી નકકી કરી શકતા કે મારે કઈ દિશા તરફ જવાનું છે?

  હવે દરેક પોઝિશન માટે પ્રવેશ-પરીક્ષા આપવાની હોય છે. તમે 12મુ સારા માર્ક્સ સાથે પાસ કરો કે ના કરો, પણ નીટ કે જીના માર્ક્સ સારા આવે તો જ આગળનો માર્ગ નક્કી થઈ શકે. તો પછી બોર્ડની પરીક્ષાઓ લેવાની જરૂર જ શું છે? વિદ્યાર્થી દસમું પાસ કરે એટલે તેનું ફોકસ જ આવી પરીક્ષાઓમાં પર થવા દ્યો, આ બિનજરૂરી પરીક્ષાઓ લઈ તેને મૂંઝવણમાં મૂકવાનો કોઈ અર્થ ખરો! એવી જ રીતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આવેલ માર્ક્સ એકપણ જગ્યાએ નોકરી મેળવવા કે આગળ એડમિશન લેવામાં કાઉન્ટ થતાં નથી. તો પછી ધોરણ 10 ની પરીક્ષા લેવાનો અર્થ શું?

  કોલેજમાં ડીગ્રી માટે ભણતો વિદ્યાર્થી ડીગ્રી ગમે તેટલા માર્ક્સ સાથે મેળવે, તેને પણ કોઈપણ પોસ્ટ મેળવા પ્રવેશ-પરીક્ષા આપવી જ પડે છે, તો કોલેજના શિક્ષણનો શો અર્થ? મોટા ભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લઈ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા નીકળી પડે છે. તે નિયમિતપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીઝમાં જાય છે, પણ કોલેજે આવતા નથી, તો આવડી મોટી મોટી સરકારી કે ગ્રાન્ટેડ કોલેજો પાછળ ખર્ચા કરવાનો કોઈ અર્થ? અને જે ડિગ્રી તેઑ મેળવી રહ્યા છે, તે ચોરી કરીને કે યેનકેન પ્રકારે મેળવે છે, એટલે કોલેજ નામના કારખાનાઓમાથી દર વર્ષે લાખો યુવાનો અને યુવતીઓ કશું જ શીખ્યા વિના બહાર પડી રહ્યા છે!

   પેપર સ્ટાઈલ હવે વિદ્યાર્થીઓને ખાસ પાસ થવામાં મદદ કરે, એવી જ રાખવામા આવે છે. એટલા બધા ઓપશન તેઓને પેપરમાં મળે છે કે પાઠયપુસ્તકોમાથી આખા ને આખા પ્રકરણ વિદ્યાર્થીઓ તૈયાર ના કરે તો પણ સરળતાથી પાસ થઈ શકે છે. વળી પેપર કાઢવાનું પણ પાઠયપુસ્તકોમાથી! એમાં વળી શાળાઓ શાળાઓ વચ્ચે ઊંચું પરિણામ લાવવાની હોડ હોય છે અને એ હોડને લીધે મોટા ભાગની શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ચોરી કરાવી દસમું પાસ કરાવી દેતી હોય છે. સારું ભણાવીને નહી, પણ ચોરી કરાવીને પાસ કરાવી દેનાર શાળાઓ કેવા નાગરિકો સમાજમાં ઠલવી રહ્યા છે?

      આવી પરીક્ષા-પદ્ધતિ વિશ્વસનીય નથી રહી, સાચું શિક્ષણ એ છે, જે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષાનો સામનો કરવામાં મદદ કરે. જો પરીક્ષાની પેટર્ન પહેલેથી જ નકકી હશે, તો એ પરીક્ષા વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી તરફ જ લઈ જશે. વધુમાં વધુ ગુણ અને ઊંચી ટકાવારી એ જ જાણે કે આજના શિક્ષણના મુખ્ય ઉદેશો બની ગયા છે. વિશ્વસનીય પરીક્ષા પદ્ધતિ એ શિક્ષણના ધોરણને સુધારવાની મુખ્ય રીતોમાંની એક છે. આવી પરીક્ષા પદ્ધતિ શિક્ષણમાં સાચા મૂલ્યાંકન અને પ્રયોગોને મારી નાખે છે. શિક્ષણ અને મૂલ્યાંકનમાં પારદર્શિતા દ્વારા જ મૂલ્યાંકન અને શિક્ષણના ધોરણની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય છે.

      

      

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...