Thursday, 5 September 2024

સ્ત્રીઓ ............આઝાદી

 

 

 સ્ત્રીઓ ............આઝાદી 

 1,029,999 Woman Life Stock Photos - Free & Royalty-Free Stock Photos from  Dreamstime

 

 

 

 

 

સ્ત્રીઓ નાની નાની બાબતોમાં આઝાદી માટે લડી રહી છે. છોકરીઓ જ્યારે કુંવારી હોય, ત્યારે પોતાનામાં રહેલી પ્રતિભા માટે તેઓને યોગ્ય વાતાવરણ મળી રહે છે. એ પણ અનેક સંઘર્ષો બાદ! જો કુટુંબ પ્રગતિશીલ વિચારોવાળું મળેતો, નહી તો જન્મથી જ દીકરીઓનો સંઘર્ષ ચાલુ થઈ જતો હોય છે. હકીકત તો એ છે કે દીકરીઓએ જન્મ લેવા પણ સંઘર્ષ કરવો પડે છે. પેટમાં દીકરી છે, તો તેને જન્મવા દેવી કે નહી? એ પ્રશ્નનો જવાબ હજી મોટા ભાગના કુટુંબોમા પૂંછાતો જ રહે છે. ભ્રૂણ-હત્યાઓના આંકડાઓ કઈ બહુ બદલાયા નથી.

 કાયદાઓ બને છે, તો જે પહેલા ખુલ્લેઆમ થતું હતું, તે હવે છાના માના થતું રહે છે. પણ થાય છે, ખરું!  વૈચારિક રીતે આપણે માણસને બહુ બદલી શક્યા નથી. પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતામાં બહુ જાજો ફેરફાર નથી થયો. ને સાથે સાથે સ્ત્રીઓની પણ સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા બહુ બદલાઈ નથી. મૂળ પ્રશ્નો જ ત્યાથી ઊભા થઈ રહ્યા છે.

   એમાં પણ લગ્ન બાદ તો સ્ત્રીઓની જાણે કે આખી દુનિયા જ યુ-ટર્ન લઈ લેતી હોય છે. લગ્ન બાદ મોટા ભાગની સ્ત્રીઓને પોતાના શોખ, આવડત, જ્ઞાનને અભેરાઈએ કે માળિયામાં ચડાવી દેવા પડે છે. ઘણીવાર એ અભેરાઈએ કે માળીએથી એ શોખોને કે આવડતોને નીચે ઉતારવાની કોશીશો કરે છે, પણ ધૂળ ખંખેરીને વસ્તુઓ જેમ પાછી ગોઠવાઈ જાય, શોખોનું પણ એવું જ થાય છે.

  કારણકે લગ્ન પછી તો કેટકેટલાની મંજૂરી લેવાની? જે ઘરમાં લગ્ન થયા, તે ઘરની પરંપરા મુજબ જાતને ઢાળતા રહેવાની! જેમ કુંભાર માટલાને આકાર આપે એમ ઘરમાં સ્ત્રીઓને આકાર આપતા જવાનો! જે સ્ત્રીઓ ઢળી જાય એને બહુ વાંધો નથી આવતો, પણ જેની આંખોમાં સપનાઓ રમે છે, એ સ્ત્રીઓના સૌથી મોટા દુશ્મન તેઓના સપના જ બની જાય છે.

 રોજ સવારે ઉઠવાનું, ઘરના કામ કર્યે જવાના, અને રાત પડ્યે સૂઈ જવાનું! એકનું એક રૂટિન. રવિવારે કે જાહેર રજાના દિવસે પણ રજા નહી..... ઘરના લોકો જેમ કે એમ જીવ્યે જવાનું. ગામના લોકો કહે એમ ચોક્કસ રીત-રિવાજોમાં બંધ થઈને રહેવાનુ. ઘણા ગામડાઓમાં હજી સ્ત્રીઓ લાજમાથી બહાર નથી આવી. હજી આજની તારીખે પુરુષો ઉપર બેઠા હોય ત્યાં સુધી સ્ત્રીઓ ખાટલા પર બેસી શકતી નથી. ને પુરુષો માનતા રહે છે કે સ્ત્રીઓને ખાવા-પીવાનું મળી રહે છે, અમે આપેલા પૈસે સારામાં સારા કપડાં અને ઘરેણાં  તેઓ પહેરીને આંટા મારી શકે છે, તેઓને વાંધો શું છે?

 અરે વાંધો નહી, પણ કેટલાક અધૂરા સપનાઓ સાથે એ ઘરમાં આવે છે, એટલિસ્ટ તેઓને એ સપના તો પૂરા કરવા દઈએ. ભારતની સ્ત્રીઓ શહેરોની સ્ત્રીઓ  અને ગામડાઓની સ્ત્રીઓ એમ વહેંચાઈ ગઈ છે. શહેરોની સ્ત્રીઓ ઘરની બહાર ડગ માંડતી થઈ ગઈ છે, પણ નગરો અને ગામડાઓમાં સ્ત્રીઓની સ્થિતિ હજી બહુ બદલાઈ નથી. આજે કોઈપણ કુંવારી છોકરી ગામડાઓમાં કે નગરોમાં લગ્ન માટે ના પાડે છે, તે માટે ગામડાઓ અને નગરોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા જ જવાબદાર છે.

 કોલેજની છોકરીઓ રવિવારે કે રજાના દિવસે કોલેજે કોઈ કાર્યક્રમની પ્રેક્ટિસ કરવા નથી આવી શકતી. કારણકે ગામડાઓમાં કે નગરોમાં બેઠેલા હાલતા ચાલતા કેમેરાઓ તેઓને સતત સ્કેન કરતાં રહે છે. કોઈ એક ગામમાં કોલેજમાં ભણતી છોકરી ભાગી જાય તો એ ગામની બીજી 20 છોકરીઓનું ભણવાનું બંધ થઈ જતું હોય છે. પણ છોકરી એકલી થોડી ભાગે છે, તેની સાથે એક છોકરો પણ ભાગે છે, એ છોકરાના ભાગી જવાથી ગામના બીજા છોકરાઓને કોઈ જ ફેર પડતો નથી!

દીકરા દીકરી બંનેમાથી જો દીકરો ભણવામાં નબળો હોય, અને દીકરી હોશિયાર હોય તો પણ ભણવાની પ્રથમ તક તો દીકરાને જ મળે છે. દીકરીઓને બહુ ભણાવાય નહી, એ માનસિકતા હજી ગામડાઓમાથી દૂર થઈ નથી! દીકરીઓએ ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ઘરનું બધુ કામ કરીને દીકરીઓ ભણે છે, આગળ વધવાની કોશીશો કરતી રહે છે, પણ જો લગ્ન પછી સાસરિયાં વાળા ના પાડે તો ત્યાથી જ એ આગળ વધવાના સપનાનું અકાળે અવસાન થઈ જતું હોય છે.

 સ્ત્રીઓને ઘરની બહાર પગ માંડવાથી લઈને દરેક બાબતે જુદા જુદા લોકોને પૂંછવું પડતું હોય છે. અને એટલે જ સ્ત્રીઓનો સંઘર્ષ પુરુષો કરતાં અઘરો હોય છે. પોતાના અસ્તિત્વ માટે તેણે જેટલું લડવું પડે છે, એટલું આ પૃથ્વી પરના કોઈ સજીવને લડવું પડતું નથી.

  થોડીક સ્ત્રીઓને મળેલી આઝાદીનો અર્થ એ નથી કે બાકીની બધી સ્ત્રીઓને આઝાદી મળી ગઈ છે. હજી આજે પણ અમુક વિસ્તારોમાં સ્ત્રીઓને વિધવા તરીકે જીવવાની ફરજ પાડવામાં આવે છે, બાળલગ્નો આજે પણ થાય છે. એક દીકરો જણવો હજી આજે પણ અમુક જ્ઞાતી કે વર્ગની સ્ત્રીઓ માટે ફરજિયાત છે!

પુરુષોમાં ખામી હોય અને તેને લીધે સંતાન ના થતું હોય તો સ્ત્રીઓને બીજા પુરુષો થકી પણ સંતાન કરવું પડે છે, જો સ્ત્રીમાં ખામી હોય તો પુરુષો તેને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. મોબાઇલના ઉપયોગથી માત્ર દીકરીઓ જ બગડે છે, એવું માનવા વાળી જ્ઞાતિઓ પણ છે.

 સ્ત્રીઓના આગળ વધતાં દરેક કદમને ખેંચવા વાળા ગલીએ ગલીએ શેરીએ શેરીએ બેઠા જ હોય છે. અને ઘરમાં હોય છે, એ અલગ! લગ્ન બાદ ઘણા ઘરોમાં સ્ત્રીઓ ગરબા પણ નથી રમી શકતી કે પછી નૃત્ય પણ શીખી શકતી નથી! તારે કામ કરવાની શી જરૂર છે? આ પ્રશ્ન મોટા ભાગના મકાનોમાં ગુંજતો રહે છે.

  સ્ત્રીઓના ટૂંકા કપડાં સામે બધાને વિરોધ છે, પણ પોતાની ટૂંકી નજર અને વિચારો સામે કોઈને વાંધો નથી.

 

Sunday, 25 August 2024

તમારા બાળકોને ઓળખો,જાણો અને સમજો.....

 

 તમારા બાળકોને ઓળખો,જાણો અને સમજો.....

 

 

 How to Cope with a Toxic and Estranged Family Relationship

 

તમારા બાળકોને ઓળખો,જાણો અને સમજો. સૌપ્રથમ તો તેને અમુક ઉંમર બાદ નિશાળે મોકલી જ દેવા જોઈએ, એ પૂર્વગ્રહમાથી બહાર આવી જાવ. સાત વર્ષની ઉંમરે સરકારે બાળક પહેલા ધોરણમાં હોવું જોઈએ, એવી જાહેરાત કરી છે, તો શા માટે બાળકોને બહુ વહેલી ઉંમરે નિશાળે મોકલી દેવા? બીજાના બાળકો જાય છે એટલે કે પછી બાળકો ઘરે સચવાતા નથી એટલે!

  સાત વર્ષે બાળક શાળામાં પ્રવેશ મેળવે, ત્યાં સુધીમાં તેને તેના આસપાસના પર્યાવરણમાથી જે શીખે એ શીખવા દઈએ. આપણે પણ રમત, રમતમાં તેઓને ઘણું બધુ શીખવી શકીએ એમ છીએ. નાનપણમાં આપણે તેઓને જે કઈ શીખવીએ છીએ, એની અસરો આખી જિંદગી તેઓની સાથે રહેતી હોય છે. માટે એક મજબૂત અને ટકાઉ બાળપણ તેઓને આપીએ કે જેથી તેઓ એને પાયા પર રાખી પોતાની જીંદગીની ઇમારત મજબૂત ચણી શકે.

 આમપણ અત્યારે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સને લીધે બાળકોનું બાળપણ એકાદ સ્ક્રીન પૂરતું મર્યાદિત થઈ ગયું છે. સ્ક્રોલ કરવા સિવાય તેઓ બીજું કશું જ નથી કરી રહ્યા. એટલે સૌથી પહેલા તો તેઓને બને તેટલા ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર રાખીએ. આપણે મોટા ભાગે તેઓને સાચવવા અને તેઓ તોફાન ના કરે એટલા માટે ગેઝેટ્સને સોંપી દેતાં હોઈએ છીએ. અને પછી એ ગેઝેટ્સ જ આપણાં બાળકોને આપણાથી દૂર લઈ જતાં હોય છે. યાદ રહે, તેઓ માંગતા નથી, આપણે જ આપી દેતાં હોઈએ છીએ. હકીકત તો એ છે કે આજે આપણે બાળકોને બધુ જ આપી રહ્યા છીએ, સિવાય કે સમય! માટે તેઓને સમય આપો, જેથી બાળકોને અને બાળકોમાં રહેલી અભિયોગ્યતાઓને સમજી શકીએ.  

બીજાના બાળકો સાથે બાળકોની સરખામણી કદી ના કરીએ. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે, માટે પહેલા તમારા બાળકને શું ગમે છે? તેને શેમાં રસ છે, એ નક્કી કરી લ્યો અને પછી તેઓને જુદા જુદા ક્લાસીસ તરફ દોડાવો. બીજાના બાળકો જે તે ક્લાસીસમાં જાય છે, એટલે મારુ બાળક પણ જવું જ જોઈએ, એ તો બાળકો સાથે રીતસરની જબરદસ્તી છે. અને બાળકો સાથે જે ક્ષેત્ર બાબતે આપણે જબરદસ્તી કરીશું, તેઓને તેના પ્રત્યે નફરત થઈ જવાની!

 બહુ નાની ઉંમરે જો આપણે તેઓને નિશાળે મોકલી દઇશું, તો ભણવા પ્રત્યે પણ તેઓને અણગમો થઈ જવાનો. હવે તો એટલી નાની ઉંમરે બાળકોને નિશાળે મોકલી દેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે કે બાળક નામની કળી ખીલે એ પહેલા જ મૂરઝાય જતી હોય છે. ભારતનું ભાવી વર્ગ-ખંડોમાં મૂરઝાય રહ્યું છે, તે એટલું ભીંસમાં જીવી રહ્યું છે કે નાનપણમાં જ માથે ભણતરના ભાર નીચે સાવ દટાઈ ગયું છે.

  ભાર વગરનું ભણતર એક કલ્પના માત્ર બનીને રહી ગયું છે. રોજ સવારે માહિતીઓનો થેલો લઈને નીકળી પડતું બાળક એ માહિતીના ભાર નીચે એવું તો દટાઈ જાય છે કે શેરીઓ પણ તેઓની રમતો વગર સુની સુની થઈ ગઈ છે. નિશાળેથી આવીને હજી તો થાક ઉતરે કે ના ઉતરે, એ ટ્યુશનમા જવાની તૈયારીમાં લાગી જતું હોય છે. ટ્યુશનમાથી આવીને મમ્મીએ ગોઠવેલા એકાદ ક્લાસીસ તો તેઓની રાહ જોઈએ બેઠા જ હોય છે, જેમાં મને-કમને તેઓને જવું જ પડે છે. બાળકોને એટલા વ્યસ્ત રાખો કે એ તોફાન કરે જ નહી! કેમ ખરું ને?

 અરે તેઓને તોફાન કે ધિંગામસ્તી કરવા દઈએ, તો જ આપણને તેઓમાં રહેલી શક્યતાઓ અને ક્ષમતાઓની ખબર પડશે, નહી તો આપણે તેઓને હમેંશા આપણે દોરેલા રસ્તે જ લઈ જઈશુ. તેઓને કોઈ નવો રસ્તો કંડારવાનો મોકો નહી આપી શકીએ. આપણે આપણાં બાળકોને જે રસ્તે લઈ જવાની કોશીશો કરતાં રહીએ છીએ, તે આપણે પણ નક્કી કરેલા નથી હોતા. એ તો સમાજે નક્કી કરેલા ધારા-ધોરણો છે, માપદંડો છે, જે મેળવવા આપણે બાળકો પાસેથી તેઓનું બાળપણ છીનવી રહ્યા છીએ.

  મોટા થઈને શું કરશો? અરે યાર તેઓને થોડા મોટા તો થવા દઈએ. જે બાળપણ ઈશ્વરે તેઓને જીવવા આપ્યું છે, તે તો તેઓને જીવવા દઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તેઓને કુદરતી રીતે ખીલવા દઈએ. તમે માર્ક કરજો, કોઈ એક ફૂલ બીજી ડાળી પરનું ફૂલ ખીલી ગયું હોય તો હવે મારે પણ ખીલી જવું પડશે, એવી સરખામણી કે બિનજરૂરી હરીફાઈમાં પડતાં હોતા નથી!

 દર વર્ષે કેટલા ઉજ્જવળ ભવિષ્યો માતા-પિતાની અપેક્ષાઓને લીધે આત્મ-હત્યાના માંચડે ચડી જતાં હોય છે. શા માટે બાળકો પર આટલું બધુ દબાણ ક્રીએટ કરવું, કે સંતાનો એ દબાણમાં કચડાઈ મરે! સમય આવ્યે તેઓ પણ તેઓની જવાબદારી સમજીને જિંદગીમાં પોતાનો રસ્તો શોધી લેશે, બસ તેઓને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપતા રહીએ અને બાકીનું તેઓ પર છોડી દઈએ.

  બાળકોનો ઉછેર એક એવી શ્રદ્ધા છે, જેને આધારે આપણે જીવંત હોઈએ છીએ. માટે બાળકોને એવી રીતે ઉછેરીએ કે તેઓ આપણી સાથે ખીલેલા રહે, આપણી સાથે બધુ જ શેર કરે.... તેને રમતવીર બનવું હોય તો બનવા દઈએ, ચિત્રકાર બનવું હોય તો બનવા દઈએ, કોઈ બીજી કલાના ક્ષેત્રે જવું હોય તો જવા દઈએ.

   જે જે માતા-પિતાએ પોતાના બાળકોને આમ ખીલવા દીધા છે, તે બાળકોની મહેંક આજે દુનિયામાં પ્રસરી જ રહી છે. તેઓ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધ્યા જ છે. યાદ કરો થોમસ આલ્વા એડિશનને જેઓને નિશાળવાળા એ કાઢી મૂક્યા હતા, પણ તેઓની માતાની શ્રદ્ધાને લીધે તેઓ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની શક્યા. બસ આપે પણ આપણાં બાળકોની ક્ષમતાઓ અને નબળાઈઓ પર એવી જ શ્રદ્ધા રાખવાની છે.

  આપણે તેઓને સફળ થતાં ના શીખવી શકીએ તો કઈ નહી, પણ બસ જીવતા શીખવી શકીએ તો પણ ઘણું! દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષતા, ક્ષમતા અને શક્યતાઓ હોય છે, બસ આપણે તેને યોગ્ય દિશામાં લઈ જવાની હોય છે..... પણ બળજબરીથી નહી ને નહી જ ......

Wednesday, 21 August 2024

બળાત્કારને પાશવી કહેવામા આવે છે, પણ એ પશુઓનું અપમાન છે. પશુ બળાત્કાર નથી કરતાં, મનુષ્યો જ કરે છે.

 

બળાત્કારને પાશવી કહેવામા આવે છે, પણ એ પશુઓનું અપમાન છે. પશુ બળાત્કાર નથી કરતાં, મનુષ્યો જ કરે છે.

Indian medics stage nationwide strike over doctor's rape and murder | In  Pictures News | Al Jazeera

              ફરી એકવાર બળાત્કાર થયો, ફરી પાછી એની એ જ તપાસો થશે, આપણે સૌ તે દીકરીને ન્યાય મળે એ માટે સ્ટેટસ મુકીશું કે પછી ઇનસ્ટા કે ફેસબૂક પર સ્ટોરી મૂકીશું. ચાર-પાંચ જે પ્રસિદ્ધ વાક્યો છે, તેને સજાવી-ધજાવીને જુદા જુદા સોસિયલ મીડિયા પર પોસ્ટ મૂકીશું. સવારે સવારે ચા પીતી વખતે કોઈપણ વ્યક્તિને ધ્રુજાવી દે, એવા બળાત્કારના સમાચારો પ્રત્યે રહેલી આપણી સંવેદનાઓ ચાની વરાળ સાથે ઊડી જતી હોય છે. પણ હવે એ વરાળ લીટરલી ધૂંધવાય રહી છે. આવા સમાચારો સોસિયલ મીડિયા પર વાંચીને, સાંભળીને કે જોઈને નિશાળે ભણવા ગયેલી, બહાર શેરીમાં રમતી, કોઈક સગા-સંબંધીને ત્યાં ગયેલી, હોસ્ટેલમાં ભણવા મૂકેલી કે પછી કોલકાતાની એ હોસ્પિટલ કે બીજા કોઈપણ સ્થાન પર રહીને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના સાચા કરવા ગયેલી છોકરીઓની ચિંતા થવા લાગે છે. અને સાથે સાથે સૌથી મોટો સવાલ પણ! કે આરોપીઓને સજા થશે કે કેમ? અને જો થશે તો ક્યારે અને કેટલી?”

  છેલ્લા કેટલાક વર્ષોથી બળાત્કારીઓ બળાત્કાર કર્યા બાદ દીકરીઓને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દેતાં હોય છે. બળાત્કારના આંકડાઓ આપવાથી કે આ દેશમાં કેટલી મિનિટમાં કેટલા બળાત્કાર થાય છે? એવી માહિતીઓનો કોઈ અર્થ જ રહ્યો નથી. શું કરીશું આવા સર્વે કરીને કે પછી આંકડાઓ ભેગા કરીને? જ્યારે છાશવારે આ દેશમાં આવી ઘટનાઓ બની રહી છે. ક્યારેક સ્ત્રીઓને નગ્ન ફેરવવામાં આવે છે તો ક્યારેક ઘરની કોઈ નજીકની વ્યક્તિઓ દ્વારા તેઓનું જાતીય શોષણ થતું રહે છે અને હવે તો નાની નાની દીકરીઓ પર પણ બળાત્કાર થઈ રહ્યા છે. સ્ત્રીઓ સાથે ઘરની અંદર, ઘરની બહાર, કામના સ્થળે, વાડીઓમા, ખેતરોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, વગેરે વગેરે સ્થળોએ ગમે તે ઉંમરના, ગમે તે જ્ઞાતીના પુરુષો દ્વારા બળાત્કારો થવા કોમન નહી રૂટિન થઈ ગયા છે.  બીજાને જીવન આપવા નાઈટ-ડ્યૂટી કરી રહી હતી, એવી દીકરી પર થયેલા આ દુષ્કર્મે આપણને સૌને ફરી એકવાર હલબલાવી નાખ્યા છે. કામના સ્થળે જો સ્ત્રીઓ સલામત નહી રહી શકે તો વળી પાછી તેઓ મકાનની ચાર દીવાલો પાછળ ધકેલાઇ જવાની!

   એક સર્વે મુજબ જ્યાં બળાત્કારીઓને સખત સજા નથી થતી કે સજા થવામાં વિલંબ થાય છે, તે દેશોમાં બળાત્કાર વધુ થતાં હોય છે. આવા બળાત્કારીઓને તકવાદી બળાત્કારીઓ કહેવાય છે. આપણા દેશમાં આવા બળાત્કારીઓ દિન-પ્રતિદિન વધતાં જ જઈ રહ્યા છે.... ભારતમાં બળાત્કાર કરનારને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા જ કરવામાં આવે છે. (IPC 376). મને ગમતી સ્ત્રી મને ના કેમ પાડી શકે? પુરુષોના એ અહમને લીધે પણ આ દેશમાં બળાત્કારો વધી રહ્યા છે. સદીઓથી પુરુષો સ્ત્રીઓને એક 'વસ્તુ' જ સમજતા આવ્યા છે અને આ પૂર્વગ્રહમાં હજી બહુ જાજો ફેરફાર નથી થયો. સ્ત્રીઑ જ્યારે બીજા કોઈ માધ્યમથી વશ ના થાય ત્યારે પુરુષો તેઓના અસ્તિત્વને પીંખી નાખવા બળાત્કારનો સહારો લેતા હોય છે. અને આપણી અદાલત આ નરાધમોને સજા આપવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. જ્યારે બળાત્કારીઓને સજા નથી મળતી ત્યારે તે જ સમયે બીજી સ્ત્રીઓની સલામતી ભયમાં મુકાઇ જતી હોય છે.

  આપણી ન્યાય-પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી છે. વળી અદાલતો સબુત માંગે અને કોઈ સ્ત્રી પોતાના પર થયેલા બળાત્કારના સબુતો કેવી રીતે આપી શકે? એમાં પણ જો બળાત્કાર કરનાર કોઈ ધનિક કુટુંબનો કે પછી ઊંચી વગ ધરાવતો પુરુષ હોય તો ન્યાય મળવો અશક્ય બની જતો હોય છે. આપણા દેશમાં થતાં બળાત્કારો પૈકી 60 થી 70% બળાત્કારોની કોઈ ફરિયાદ જ થતી નથી. જેના પર રેપ થયો હોય છે, તે દીકરીને કે તેના કુટુંબીજનોને ધાક-ધમકીથી આવા વગદાર લોકો ડરાવી દઈને કેસ ચોપડે ફાઇલ જ થવા દેતાં નથી. અને માતા-પિતા પણ દીકરીઓની સમાજમાં બદનામી થશે તે બીકે એફ.આર.ઈ. જ લખાવતા નથી. આવા કેસમાં પોલીસ-સ્ટેશને જતાં પણ માતા-પિતા થર થર ધ્રૂજતા હોય છે! જે સ્ત્રીઓના અસ્તિત્વ પર આ વજ્રઘાત થયો હોય છે, તેઓના આત્મા પર લાગેલા ઘા ને ત્યારે જ શાંતિ મળતી હોય છે, જ્યારે આવા બળાત્કારીઓને સજા મળે, પણ એવું આપણા દેશમાં બહુ ઓછું બને છે. ને પરિણામે આત્મા પર લાગેલા એ ઘાવ સાથે સ્ત્રીઓ કા તો આત્મ-હત્યા કરી લેતી હોય છે અને કા તો માનસિક આઘાત સાથે ડરી ડરીને આખી જિંદગી ક્ષણે ક્ષણ મરતી રહે છે.

         

 

 

 

 

 

 

Wednesday, 14 August 2024

હમ લોગો કો સમજ શકો તો સમજો દિલભર જાની, જીતના ભી તુમ સમજોગે ઉતની હોગી હેરાની! ફીર ભી દિલ હે હિન્દુસ્તાની!!!

 

  હમ લોગો કો સમજ શકો તો સમજો દિલભર જાની, જીતના ભી તુમ સમજોગે ઉતની હોગી હેરાની! ફીર ભી દિલ હે હિન્દુસ્તાની!!!

 India - Wikipedia

 

    15મી ઓગષ્ટ,1947 આપણે આઝાદ થયા અને ભારતદેશને લોકશાહી દેશ તરીકેનું બિરુદ મળ્યું ત્યારે ઘણા દેશોને એવું હતું કે ભારત જેવા વિવિધરંગી દેશમાં લોકશાહી સફળ થશે કે કેમ? પણ આપણાં દેશની પ્રજાએ પોતાની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા થકી એ શંકાને હરાવી દીધી. આજે જ્યારે આપણે આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે બર્માની આર્થિક અને સામાજિક પરિસ્થિતી જોઈએ છીએ, લશ્કરરાજ જોઈએ છીએ, ત્યારે આપણને આપણી આ 76વર્ષની લોકશાહી પર ગર્વની લાગણી થયા વિના નથી રહેતી. આઝાદી સમયે આપણી લોકશાહી નિરક્ષર હતી, પણ હવે તે શિક્ષિત અને સમજુ થઈ રહી છે. પ્રજા જેમ જેમ વધુને વધુ શિક્ષિત થઈ રહી છે, લોકશાહીનો તિરંગો વધુને વધુ રંગીન બની રહ્યો છે!

      આઝાદી સમયે આપણે 34 કરોડ ભારતીયો હતા અને આજે 142.86% ભારતીયો આ દેશમાં વિકસી રહ્યા છે. આપણો દેશ આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ ગણાય છે. દેશની કુલ વસ્તીના 65% લોકો 35 વર્ષથી નીચેની ઉંમરના છે. અને એ યંગ જનરેશન ભારતને મોટા ભાગના ક્ષેત્રોમાં આગળ ને આગળ લઈ જઇ રહી છે. આજે દુનિયાના દરેક ખૂણાને ભારતીય યુવા પ્રતિભાઓ પોતાની પ્રતિભા વડે પ્રકાશિત કરી રહી છે. રમત-ગમતથી લઈને કળા અને વિજ્ઞાન એમ દરેક ક્ષેત્રમાં આ પેઢી હરણ-ફાળ ભરી રહી છે. દેશને આઝાદી અપાવવા જેમ અનેક યુવાનોએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું, તેમજ દેશના આ યુવાન સૈનિકો તન,મન અને ધનથી દેશના વિકાશમાં ફાળો આપી રહ્યા છે. પણ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ થકી તેઓ સમય વેડફી રહ્યા છે. થોડા ભટકી રહ્યા છે, શરાબ અને ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, ત્યાથી તેઓને પાછા વાળવા પડે એમ છે. દેશની રાજનીતીમાં બહુ ઓછા યુવાનો સક્રિય ભાગ લઈ રહ્યા છે, એ પણ થોડું ખટકે છે. તો સાથે સાથે દેશમાં પોતાની પ્રતિભાને યોગ્ય તક ના મળતા આ સૌથી ઉપયોગી ધન વિદેશોમાં ઠલવાઈ રહ્યું છે.

   આઝાદીની લડાઈમાં સ્ત્રીઓ પણ જોડાઈ હતી, તો આઝાદી બાદ તેઓ પણ ઘણી સ્વતંત્રતાનો અનુભવ કરી રહી છે. હકીકત તો એ છે કે છેલ્લા 76વર્ષોમાં આ દેશમાં ( અમુક રાજ્યોને બાદ કરતા) સ્ત્રીઓની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં ઘણા બધા હકારાત્મક ફેરફારો થયા છે. દીકરીઓની સંખ્યા ભલે ઘટી રહી છે, પણ દીકરીઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. આજે દેશનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રીઓએ પોતાનું અસ્તિત્વ સાબિત ના કર્યું હોય. ઘર સંભાળનાર દેશને પણ સંભાળી રહી છે. મહિલા ઉદ્યોગસાહસિકની સંખ્યા પણ વધતી જાય છે. આંકડા દર્શાવે છે કે 2025 સુધીમાં અંદાજે 10 મિલિયન સાહસિકોને ભંડોળ પૂરું પાડવામાં આવશે, જેમાંથી 50% મહિલાઓ હશે.

  શિક્ષિત નાગરિકો એ લોકશાહીની સફળતાનું પ્રથમ પગલું છે. જો કે એ દિશામાં આપણે હજી ઘણું કરવાનું બાકી છે. અંગ્રેજો મેકોલની જે શિક્ષણ-પદ્ધતિ આપણને આપી ગયા હતા, એમાં બહુ ઝાઝો ફેરફાર આપણે કરી શક્યા નથી. સાક્ષરતાના આંકડા વધ્યા છે, પણ શિક્ષણને લીધે પ્રજામાં જે વૈચારિક પરિવર્તન આવવું જોઈએ, તે આપણે નથી લાવી શક્યા! નિરક્ષરતાને લીધે ( ક્યારેક શિક્ષિત નાગરિકો દ્વારા પણ!) જ્ઞાતિવાદ, કોમવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, ભ્રૂણ-હત્યા, બળાત્કાર, બાળલગ્ન વગેરે વગેરે દૂષણો સામે આપણે જેટલું લડવું જોઈએ, એટલું લડી શક્યા નથી. ખેતી-પ્રધાન દેશમાં શિક્ષણમાથી ખેતીની બાદબાકી બહુ ખૂંચે છે.

  આપણાં સાંસ્કૃતિક વારસાનું સત્વ કે જેને આજે દુનિયાએ પણ સ્વીકાર્યું છે, તેને આપણાં જ દેશમાં પુન:સ્થાપિત કરવાના પ્રયાસો આપણે કરી રહયા છીએ. જો કે આરોગ્ય ક્ષેત્રે વિશ્વને યોગા અને મેડિટેશન તરફ વાળી આપણે તેઓને શાંતિનું મહત્વ સમજાવી રહ્યા છીએ. પણ પર્યાવરણ સાથેનો આપણો સદીઓ જૂનો સંબંધ તૂટી રહ્યો છે. આઝાદી બાદ વિકાસની આંધળી દોડમાં આપણે જંગલોને બેફામ રીતે કાપી નાખ્યા છે. ઘણા પશુઓ અને પક્ષીઓ રેડલિસ્ટમાં નોંધાઈ ચૂક્યા છે. પ્રજા તરીકે ધર્મ સિવાય એકપણ બાબતમાં આપણે આપણી સંવેદનશીલતા જાળવી શક્યા નથી. અને એ સંવેદનશીલતાનો લાભ હજી પણ ઘણા ઉઠાવી જાય છે! વળી આપણે એ ધાર્મિકતાને ‘નૈતિકતામાં’ ફેરવી શક્યા નથી! જાહેર શિસ્ત બાબતે આપણે હજી જોઈએ એટલા જાગૃત નથી થયા. દેશમાં કાયદાના પાલન બાબતે આપણે હજી પણ નફ્ફટ બનીને જીવી રહ્યા છીએ. સમસ્યા એ છે કે આપણે આપણી પાસે જે કઈ સારું હતું તે છોડીને જે કઈ બીજા દેશો પાસેથી લેવા જેવુ નથી તે જલ્દીથી લઈ લીધું. અને જે ખરેખર લેવા જેવુ હતું તે નથી લઈ શક્યા!

પ્રજા તરીકે આપણે ઘણા તબક્કે સફળ થયા છીએ અને ઘણા ક્ષેત્રોમાં હજી આપણે ઘણું કરવાનું બાકી છે. આપણે બહારથી તો એટલા બધા બદલાઈ ગયા છીએ કે ખુદને પણ જો અરીસામાં જોઈશું તો આશ્ચર્ય થશે, અને અંદરથી? એ પ્રશ્નનો જવાબ આ દેશની પ્રજા પર છોડું છુ.

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...