Saturday, 31 May 2025

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીની તકો વધારશે કે ઘટાડશે???

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીની તકો વધારશે કે ઘટાડશે???

હેડિંગ: 
     એ.આઈ. માણસોમાં રહેલી સર્જનાત્મકતાને અપડેટ કરવાનું અને તેઓની અંદર રહેલી આવડતને ડેવલપ કરવાનું કામ પણ કરશે.
What is AI? | GeeksforGeeks


 

 

      એ.આઈ. એ ભારતમાં આજે ક્રિકેટ, ગાંધીજી, સીનેમાં અને ધર્મ કરતાં પણ વધુ હોટ ટોપીક બની ગયો છે. દર બીજો લેખ એ.આઈ. અને તેનાથી ભવિષ્યમાં થનારી અસરો વિષે લખાય રહ્યો છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીની વ્યક્તિઓ એ.આઈ. વિષેની ચર્ચાઓમાં હોંશભેર જોડાય રહી છે. ચેટ-જી.પી.ટી. અને બીજા એ.આઈ. ટૂલ્સ ભારતના અડધાથી વધુ મોબાઇલ્સમાં ડાઉનલોડ થઈ ગયા છે. દુનિયાભરની આઈ.ટી. કંપનીઓ એ.આઈ. ના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો કરવા ગળા-કાપ સ્પર્ધાઓ કરી રહી છે.

  સાથે સાથે મોટા ભાગના લોકોને એ ડર પણ સતાવી રહ્યો છે કે એ.આઈ.ને લીધે જુદા જુદા અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટશે. ઘણા લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવશે. માણસનું સ્થાન મશીન લઈ લેશે અને માણસ પોતાની નોકરી ગુમાવી બેકાર થઈ જશે. કોઈપણ નવી ટેકનૉલોજી આવે, ત્યારે માર્કેટમાં આવો ડર ઊભો થઈ જ જતો હોય છે, પણ સમય જતાં સમજાય છે કે નવી ટેકનૉલોજી પણ રોજગારીની નવી તકો લઈને આવે છે. અને એ.આઈ. ના કિસ્સામાં પણ એ સાચું છે. એ.આઈ. થકી પણ ઘણા એવા નવા ક્ષેત્રો ઉદભવશે જેના લીધે નવી નવી રોજગારીની તકો ઊભી થઈ શકશે. કોઈપણ જાતની હો હા કર્યા વિના આપણે પહેલા એ નવા ક્ષેત્રો વિષે જાણી લઈએ જ્યાં એ.આઈ. માણસ માટે નવી તકો ઊભી કરવાનું છે.

 એ.આઈ. ભારતના માર્કેટમાં નવી નોકરીની તકો લાવી રહ્યું છે. એ.આઈ. થકી નવા સંશોધનો અને નવા નવા ઉકેલો મળી શકે છે. તેના થકી આપણે આપણી સર્જનાત્મક વૃતિઓને એક નવા જ સ્તરે લઈ જઇ શકીએ છીએ. કંપનીઓ હવે માહિતી વિશ્લેષણ, ઓટોમેશન અને સર્જનાત્મક કાર્ય જેવી બાબતો માટે એ.આઈ માં નિષ્ણાતોની ભરતી કરી રહી છે. એ.આઈ. ની અસર ખૂબ મોટી છે, જે શીખવા અને અનુકૂલન કરવા માટે તૈયાર લોકો માટે તકો પૂરી પાડે છે.  હકીકત તો એ છે કે એ.આઈ. નોકરીઓ છીનવી રહ્યું નથી પરંતુ તેમને બદલી રહ્યું છે. તે વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને વધુ સ્માર્ટ અને વધુ સક્ષમ બનાવી રહ્યું છે.

  વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના રીપોર્ટ મુજબ ઇ.સ. 2025માં એ.આઈ. 12 મિલિયન નવી નોકરીઓનું સર્જન જુદા જુદા ક્ષેત્રોમાં કરશે. એટલું જ નહી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના 2019 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં, એ.આઈ. ડિજિટલાઈજેશન, પુનઃતાલીમ અને પુનઃકુશળતા દ્વારા ભારતમાં આશરે 40-45 મિલિયન કામદારોને અપડેટ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત IT-BPM, ઉત્પાદન, કૃષિ, અને પરિવહન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં લગભગ 20 મિલિયન નવી નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.

NASSCOM ના 2020 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં ભારતના GDP માં AI અને ડેટા 540 બિલિયન થી 500 બિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. આ મૂલ્યનો આશરે 45% ભાગ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાંથી આવવાની ધારણા છે, ગ્રાહકોને માલનું છૂટક વેચાણ, ખેતી અને બેંકિંગ- વીમા.  તે ઉપરાંત ટેલિકોમ, મીડિયા અને આઈ.ટી. એનર્જી, પરિવહન વગેરે વગેરે ક્ષેત્રેઓમાં પણ એ.આઈ. દ્વારા નવી રોજગારીનું સર્જન થશે.   

  જો કે કેટલાક આઇ.ટી. નિષ્ણાંતોનું માનવું છે કે એ.આઈ. ને લીધે મોટા ભાગની કંપનીઓને ભલે એવું લાગે કે એ.આઈ. માનવ શક્તિ ઘટાડશે, કાર્યક્ષમતા ઘટાડશે, અને નફામાં વધારો કરશે. પણ જો એ.આઈ. ને લીધે લોકોની નોકરીઓ જશે  તો  લોકોના પોકેટમાં પૈસા જ નહી રહે અને જો લોકો પાસે પૈસા જ નહી હોય તો એ.આઈ. દ્વારા તૈયાર કરેલો માલ ખરીદશે કોણ? એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લીધે આગામી પાંચ વર્ષમાં 50 ટકા એન્ટ્રી-લેવલ વ્હાઇટ-કોલર નોકરીઓનો ગાયબ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાભરની સરકારો ભલે આ ખતરાને ઓછો આંકે પણ  AI ના વધતા ઉપયોગથી બેરોજગારીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે જ.  

   એ.આઈ. ને લઈને આવી ઘણી-બધી આગાહીઓ થઈ રહી છે. જોઈએ ભવિષ્યમાં શું થાય છે? આપણું ભવિષ્ય તો આપણે જ ઘડવાનું છે, એ કઈ એ.આઈ. નહી ઘડી શકે. એ.આઈ. વિષે જરૂરી માહિતી ભેગી કરી પોતાનું કરિયર પ્લાન કરવું.

 

 

Friday, 23 May 2025

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

 Resolve Crazy-inducing Workplace Communication Issues

 

   જુદી જુદી કોઈપણ સંસ્થાના કર્મચારીઓ એક જગ્યાએ ભેગા થઈને વાતો કરતાં હોય તો તેઓની દરેકની વાતોમાં પોતાના કામના સ્થળ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. કોઈને બોસ સાથે પ્રોબ્લેમ હોય છે, તો કોઈને પોતાના કામ પ્રત્યે વધતાં ઓછા પ્રમાણમાં અણગમો હોય છે. ( જો કે આવું ઘરની આસપાસ ઓટલે બેઠેલી સ્ત્રીઓની વાતોમાં પણ જોવા મળે છે. તેઓની પણ આ જ વાર્તાઓ હોય છે.)

  હમણાં એક લેખમાં ભારતની એક સમયની સૌથી પ્રખ્યાત ઘડિયાળ કંપની એચ.એમ.ટી.ના અપ અને ડાઉન ફોલ વિષે વાંચ્યું. જેમાં લખ્યું હતું કે જે કંપનીનું એક સમયે આપણા દેશના 90% બજારો પર વર્ચસ્વ હતું, તે કંપની ઇ.સ. 2016માં બંધ થઈ ગઈ. જેના ડાઉનફોલ માટેના કરણોમાં સૌથી મોટું કારણ હતું તેઓના 350 એંજિનિયરોએ એકસાથે ટાઈટન કંપની જોઇન કરી લીધી તે. આવડી મોટી કંપનીના કર્મચારીઓએ શા માટે નવીસવી કંપની જોઇન કરી લીધી?

     કોઈપણ સંસ્થા પછી એ સરકારી હોય કે ખાનગી, 99% સંસ્થાઓના કર્મચારીઓ પોતે જે જગ્યાએ નોકરી કરતાં હોય છે, તેના વાતાવરણથી કે પછી પોતાના કામની કદરથી ખુશ નથી હોતા! અને તેઓ ખુશ નથી હોતા એટલે તેઓને આત્મસંતોષ મળતો નથી. અને જ્યારે વ્યક્તિને એવું લાગે કે તેને જે જોઈએ છીએ, તે અહી નથી મળી રહ્યું તો તે કામ પ્રત્યે વફાદાર નથી રહેતો કે નથી રહેતો સંસ્થા પ્રત્યે વફાદાર.

   એક સર્વે મુજબ ભારતમાં 70% લોકો પોતાના કામના સ્થળથી ખુશ નથી, જેમાથી 50% લોકો નવી નોકરીઓ શોધી રહ્યા છે. કોર્પોરેટ જગત માટે હવે એવું કહેવાય છે કે સ્ટ્રેસ,ગુસ્સો, અને કામ પ્રત્યે અસંતોષ હવે લોકોના પર્સનલ પ્રોબ્લેમ્સ નથી, પણ હવે તે કામના સ્થળના ઇસ્યુ બનીને રહી ગયા છે. અને આ બાબતોની અસરો તેઓની પર્સનલ લાઈફ પર પણ પડી રહી છે.

  અલગ અલગ મગજ અને તેને લીધે અલગ અલગ વિચારો ધરાવનાર વ્યક્તિઓ એક જગ્યાએ ભેગી થાય એટલે પ્રશ્નો તો ઊભા થવાના જ. માણસો મશીનોની જેમ અટક્યાં વિના એકધારું કામ નથી કરી શકવાના. વળી વ્યક્તિઓને પોતાની લાગણીઓ અને સમસ્યાઓ હોય છે. જેને મોટા ભાગની કંપનીઓ સમજી શકતી નથી. નિયમિતતા અને શિસ્ત જરૂરી છે, પણ તેના નેજા નીચે કર્મચારીઓનું સ્વમાન ના ઘવાવું જોઈએ.

  માલિક અને કર્મચારીઓના ગોલ અલગ અલગ હોય છે. માલિક માટે પોતાની સંસ્થાનો નફો અને પ્રતિષ્ઠા સૌથી મહત્વની હોય છે. જ્યારે કર્મચારીઓના પોતાના ગોલ કઈક જુદા જ હોય છે. સાચો બોસ એ છે જે પોતાના ગોલ એચિવમેન્ટ માટે કર્મચારીઓને સમજાવી શકે. તે પોતાના કર્મચારીને ફીલ કરાવી શકે એ આ સંસ્થા મારી છે. અને મારે તેના માટે કામ કરવાનું છે. પણ મોટા ભાગે એવું નથી થતું ને પરિણામે એક જ સંસ્થામાં અલગ અલગ પ્રવાહો સામ-સામા વહેવા લાગે છે.  

  વળી આજકાલ એ.આઈ.અને પર્ફોર્મન્સના ડરને લીધે મોટા ભાગના કર્મચારીઓને ગમે ત્યારે છુટ્ટા થઈ જવાની બીક લાગે છે. આ અસલામતી પણ તેઓને અસંતોષ તરફ લઈ જાય છે. મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓ પાછળ થતાં ખર્ચાઓને બિનજરૂરી માને છે, પણ હકીકત તો એ છે કે કર્મચારીઓની સુખ-સુવિધાઓ પાછળ થતું ખર્ચ એક પ્રકારનું રોકાણ છે, જે ઉત્પાદન અને નફાના વધારા સાથે કંપનીને પાછું મળે છે.

  સફળ કંપનીઓ આ સત્યને સ્વીકારે છે, એટલે તે સફળ છે. દરેક કર્મચારી એક જીવંત વ્યક્તિત્વ છે, એક ધબકતું હ્રદય છે. જે ચાવીથી કે સ્વીચઓન કરવાથી ક્લિક થઈ શકતું નથી. તેને ક્લિક કરવા તેઓની સમસ્યાઓને સમજવી પડશે. તેઓમાં રહેલી પ્રતિભાને જાણીને બહાર લાવવી પડશે. તમારું કામ તેની પાસેથી કઢાવવા તેને ખુશ રાખવો પડશે. અને સૌથી મહત્વનુ તેને સરસ રીતે કરેલા કામની કદર કરવી પડશે.

   જો કે નોન-સ્ટોપ કરવા પડતા ઘરકામ માટે પોતાની કદર થવી જોઈએ, એવુ તો સ્ત્રીઓ પણ સદીઓથી માંગી રહી છે....

 

Wednesday, 14 May 2025

ભારતમાં કેટલા પ્રકારના ‘અછૂતો’ રહે છે?

 

ભારતમાં કેટલા પ્રકારના ‘અછૂતો’ રહે છે? 

 Santosh (2024 film) - Wikipedia

 

 

 

 

     ભારતમાં બે પ્રકારના અછૂત લોકો રહે છે, એક જેઓને તેઓની જ્ઞાતિ અને કામના આધારે અછૂત ગણવામાં આવે છે અને બીજા જેઓને તેઓના પાવર, સામાજિક સ્ટેટસ અને વિશેષાધિકારને લીધે કોઈ સ્પર્શી શકતું નથી! આ સાચો અને સુપર્બ સંવાદ છે, માર્ચ-2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર પામેલી ફિલ્મ સંતોષનો. નેશનલ બોર્ડ ઓફ રીવ્યુ દ્વારા આ ફિલ્મનો વર્ષ 2024ની શ્રેસ્ઠ 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સમાવેશ થયેલો છે. બીજા પણ ઘણા-બધા એવાર્ડ્સ આ ફિલ્મને મળેલા છે, જેનું ડાયરેકશન સંધ્યા સુરી દ્વારા થયેલું છે.

   સંતોષ વાર્તા છે, એક 28 વર્ષીય વિધવાની, જે પોતાના ઈન્સ્પેકટર પતિના મૃત્યુ બાદ પોલીસમાં જોડાય છે. એ સ્ત્રી જે પોલીસ ઓફીસર બને છે,  જો કે તેનું કોઈ ધ્યેય નથી હોતું કે મારે પોલીસ ઓફિસર બનવું છે, પણ પોતાના પતિના આકસ્મિક મૃત્યુને લીધે આપણી સરકારી નોકરીની સિસ્ટમ મુજબ એ જોબ પોલીસ ઓફીસરની પત્નીને મળે એટલે પોતાની આજીવિકા ચલાવવા અને સાસરિયાના ત્રાસથી બચવા તે સ્ત્રી તે નોકરી સ્વીકારે છે. અને તેની પાસે એક દલિત છોકરીના ખૂનનો કેસ આવે છે, જેને સોલ્વ કરતી વખતે તેને સમજાય છે કે આ દેશની પોલીસ સિસ્ટમ કોના કોના થકી ચાલે છે? શા માટે આ દેશમાં સાચો આરોપી પકડાતો નથી અને જો પકડાય જો કેવી રીતે આબાદ તે છટકી જતો હોય છે? આ જે કેસ સોલ્વ કરવાની આખી પ્રોસેસ છે, તેના આધારે તેને ઉપરનો ડાયલોગ કહ્યો છે.

   તેની સાથે કામ કરતી બીજી મહિલા પોલીસ તેણીને કેસ ઉકેલવામાં મદદ કરે છે, અને સિસ્ટમની ક્રૂરતાઑ સમજાવે છે. છોકરી દલિત અને ગરીબ હોવાથી, અમુક પાવરફૂલ લોકોને આ કેસ ઉકેલવામાં કોઈ રસ નથી પડતો. જે લોકો છોકરીના મૃતદેહ વિષે ઘણું બધુ જાણે છે, તેઓ પણ કશું બોલતા નથી. સંતોષ કોઈ ધર્મયુદ્ધ નથી લડતી, પણ ધીમે ધીમે તે પોતાની આસપાસ જે કઈ જુએ છે, સાંભળે છે, તેના આધારે નિયમો શીખે છે. તેણી જુએ છે કે એક દલિત દીકરીનો મૃતદેહ બરફ પર પડેલો છે, પણ કોઈને તે કેસ ઉકેલવામાં રસ નથી. તેણી કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે, પણ એક કોન્સટેબલના મર્યાદિત અધિકારો તેણીને જગ્યાએ જગ્યાએ સીમિત કરી નાખે છે. આખી ફિલ્મનુ શૂટિંગ લખનઉના આજુબાજુના વિસ્તારોમાં જ થયેલું છે.

     આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય પોલીસ સિસ્ટમ મુઠ્ઠીભર રાજકારણીઓના ઇશારે જ કામ કરે છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે દેશમાં ન્યાય બધા માટે એકસમાન છે. પણ વાસ્તવિક દુનિયામાં આપણે કઈક અલગ જ ફીલ કરીએ છીએ. અહી અમુક પાવરફૂલ લોકોને કોઈ જ કાયદાઓ લાગુ પડતાં નથી. તેઓ કોઈપણ ગલત કામ કરીને આબાદ છટકી જતાં હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા રેપ-કેસ, મર્ડર કેસ, વગેરે કેસો પર નજર નાખીશું તો સમજાશે કે એ કેસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો જ નથી! અરે જે કેસોમાં કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા હોય એવા કેસોનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

  ને છૂત-અછૂત હજી આ દેશની જ્ઞાતિ સિસ્ટમનો એક ભાગ છે જ! હજી આજની તારીખે દલિત વર્ગના લોકો સાથે આ દેશમાં અન્યાય થઈ જ રહ્યો છે. આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકીને સરકાર આ સત્યો સામે આંખ બંધ કરી શકે એમ નથી. સત્યો સ્વીકારવાની આદત આપણે અપનાવી લેવી પડશે. સીનેમાં સમાજનું જ પ્રતિબિંબ દર્શાવે છે. અને આપણને આપણું પ્રતિબિંબ જોવામાં કોઈ છોછ ના હોવો જોઈએ.

   2025માં આ ફિલ્મ ભારતમાં રજૂ થવાની હતી, પણ સેન્સર બોર્ડને ફિલ્મમાં પોલીસની સિસ્ટમ અંગેના કેટલાક દ્રશ્યો, મારા-મારીના કેટલાક દ્રશ્યો, ઇસ્લામોફોબિયા,જાતિવાદ, જ્ઞાતિવાદના કેટલાક દ્રશ્યોને લઈને સમસ્યા હતી, એટલે રજૂ ના થઈ શકી. ( આ જ સેન્સર-બોર્ડને એનિમલ જેવા મુવીમાં કઈ વાંધો નહોતો જણાયો!)  જો કે સેન્સર બોર્ડનો પ્રતિબંધ જ ફિલ્મને લોકો સુધી પહોંચાડશે. બેન ફિલ્મો જોવાની મજા જ કઈક અલગ હોય છે.

 

  

 

 

Thursday, 10 April 2025

આહ જીબલી, ઓય જીબલી, આઉચ જીબલી!!!

 આહ જીબલી, ઓય જીબલી, આઉચ જીબલી!!!

 

 10 Most Lovable Studio Ghibli Characters, Ranked

 

    એકદમ લેટેસ્ટ ટ્રેન્ડનું ડ્રેસિંગ કરીને તમે આવો છો, જો કે આ પ્રકારનું ડ્રેસિંગ તમે પહેલીવાર કર્યું છે અને તમે ઘરના સભ્યોને પુંછો છો કે હું કેવો/કેવી લાગી રહી છુ? અને સામેથી તમારો એ નવો લૂક જોઈને કોઈ એમ કહે કે કાર્ટૂન જેવા લાગી રહ્યા છોતો તમારું રીએક્શન શું હોય? આપણને લાગે કે આપણી કોઇકે મજાક કરી અને એ ડ્રેસિંગ કર્યાનો આપણો આનંદ છું થઈ જાય! પણ હમણાં હમણાં ચેટ-જીપીટી એ “જીબલી-અવતારનું” આ સોસિયલ મીડિયાના સ્વર્ગમાં અવતરણ કર્યું છે, અને લોકોને કાર્ટૂન જેવા દેખાવવામાં પણ મજા આવી રહી છે. ટ્રેન્ડ કે લિયે સબ કુછ કરેગા!

   આમ તો કાર્ટૂન શબ્દ આપણી સાથે આપણા નાનપણથી જોડાઈ ગયો છે. નાનપણથી જ આપણને સૌને કાર્ટૂન જોવાનો ગજબનો શોખ હોય છે. દરેકનું એક ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર હોય છે. એનિમેશન સ્ટુડિયોમાં બનતા કાર્ટૂન કેરેક્ટર્સ જાણે કે આપણા કુટુંબના સભ્યો હોય એવું લાગે છે. આજે તો મોટા ભાગના બાળકો આ કાર્ટૂન કેરેક્ટર્સની સાથે સાથે મોટા થઈ રહ્યા છે. બાળક જમવાની ના પાડે કે તેને ધિંગામસ્તી કરતા અટકાવવા માતાઓનો સૌથી મોટો આશરો એટલે આ કાર્ટૂન કેરેક્ટર્સ!

  જો કે આ જીબલીની શરૂઆત તો 1985માં બે લોકપ્રિય જાપાનીઝ નિર્દેશકો હાયાઓ મિયાઝાકી અને એજીરો તાકાહાતા દ્વારા થયેલી. જેમણે સારી ગુણવત્તાવાળી, હ્રદયસ્પર્શી એનિમેટેડ ફિલ્મો બનાવવા માટે જીબલીની શરૂઆત કરેલી. અને તેમાં તેઓ સફળ પણ થયા હતા. જો કે જીબલીનો અર્થ થાય છે ગરમ, મજબૂત અને શુષ્ક પવન જે સહારાના રણમાં ફૂંકાતા પવન માટે વપરાય છે. પોતાની એનિમેશનની કળાને વધુ ને વધુ સર્જનાત્મક બનાવવા તેમણે ઘિબલીની શરૂઆત કરેલી. સ્પિરિટ આવે, માય નેબર ટોટોરો, અને પ્રિન્સ મોનોનોકે તેઓની જાણીતી એનિમેશન મુવીઝ છે, જે સમાજને સારા સંદેશાઓ પણ આપે છે.

  છેલ્લા કેટલાક દિવસોથી એ.આઈ. ટૂલના ઉપયોગથી પોતાના ફોટોઝને જીબલી અવતારમાં સેટ-અપ કરવાનું લોકોને ઘેલું લાગ્યું છે. જો કે આ આર્ટને અત્યારે વાઇરલ કરવાનો શ્રેય સીએટલમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લેટનને જાય છે. ગયા મંગળવારે તેમણે ઓપન એ.આઈ. દ્વારા જીબલીના અપડેટેડ વર્ઝનમાં પોતાના કુટુંબનો કુતરા સાથેનો ફોટો મૂક્યો અને ઇન્ટરનેટ પર આ ટ્રેન્ડનું જાણે કે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. સાઇટ ચોકઅપ પણ થઈ રહી છે. લોકો હોંશે હોંશે પોતાને કાર્ટૂનમાં કન્વર્ટ કરી રહ્યા છે. અને એ કાર્ટૂનસ એકબીજાને અને સોસિયલ મીડિયાઝ પર શેર કરી રહ્યા છે. ઇવન આપણા નરેન્દ્ર મોદીજી, અમિતાભજી અને એલન મસ્કે પણ પોતાને આ જીબલી આર્ટની મદદથી નવા અવતારમાં રજૂ કરીને આ ટ્રેન્ડને વાઇરલ કરી દીધો છે.

  આમ તો આ વાઇરલ ટ્રેંડે આપણી અંદર રહેલા બાળકને સપાટી પર લાવી દીધું છે. આપણે કાર્ટૂન કેરેકટર હોઈએ તો કેવા લાગીએ? લોકો મોજ-મજા માટે આ ટ્રેન્ડને અપનાવી રહ્યા છે.  આવા કેરેકટર્સને જીબલી આર્ટમાં ફેરવવા જતાં ભૂલ થઈ જાય તો શું નું શું થઈ જાય? એવી હળવી રીલો પણ ઇનસ્ટાપર વાઇરલ થઈ રહી છે. આ મોજ મજા સાથે સાથે એ.આઈ. નિષ્ણાંતો દ્વારા આવી રીતે પોતાના ફોટાઝ ઓપન એ.આઈ. સાથે શેર ના કરવા અંગેની ચેતવણીઓ પણ આવી રહી છે.

  ઓપન એ.આઈ. થકી તમારા આ અંગત ફોટાઓનો મિસ યુઝ પણ થઈ શકે છે. મેટાના મુખ્ય વૈજ્ઞાનિક યાન લેકને આપેલી જાણકારી પ્રમાણે ઓપન એ.આઈ. માત્ર શબ્દો થકી કૃત્રિમ બુદ્ધિનું સર્જન નથી થઈ શકતું તેના માટે ફોટોઝ જોઈએ છીએ અને એટલે કદાચ કોઈ એ.આઈ. સોર્સે માહિતી ભેગી કરવા આ ટ્રેન્ડ ઊભો કર્યો હોય એવું પણ બની શકે! કોઈ તમારા પર્સનલ ઝોનમાં ચુપકે ચુપકે એન્ટર ના થઈ જાય તેનું ધ્યાન રાખો.

  આપણે એનિમેશનને આધારે ચાલતા કાર્ટૂન કેરેક્ટર્સ નથી. આપણે ઈશ્વરે ઘડેલા યુનીક પીસ છીએ. આપણે ઈશ્વરની બુદ્ધિશાળી ઘિબલી આર્ટ છીએ. બસ એટલું યાદ રાખીએ. ક્યાં ટ્રેન્ડને અનુસરવો અને ક્યાં ટ્રેન્ડને નહી, એ વિવેકબુદ્ધિ આપણે કેળવવાની છે.

 

 

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...