Tuesday 6 February 2024

જનનાયક કર્પૂરી ઠાકુરજી, હવે ભારતના સૌથી મોટા વી.આઈ.પી.

 

જનનાયક કર્પૂરી ઠાકુરજી Karpoori Thakur: The country is remembering the former Chief Minister of  Bihar, who was able to drive away the British by throwing spit and not  build a house after decades of politics.

           23મી જાન્યુઆરી,2024ના રોજ આપણાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી.દ્રૌપદી મુર્મુજીએ 49માં ભારત-રત્નની જાહેરાત કરી અને એક નવું વ્યક્તિવ આપણી સમક્ષ રજૂ થયું.  આ જાહેરાત પહેલા કર્પૂરી ઠાકુરજીને કોઈ ઓળખતા નહોતા, પણ 23મી તારીખ બાદ દર ત્રીજો લેખ તેઓ વિષે લખાયો. આઝાદ ભારતમાં સૌપ્રથમ વખત ઇ.સ. 1954ની સાલમાં આ એવોર્ડ આપવાની શરૂઆત થયેલી. દર વર્ષે વધુમાં વધુ 3 લોકોને તેઓના કળા, સમાજસેવા,સાહિત્ય, વિજ્ઞાન, ક્ષેત્રમાં પ્રદાન બદલ આપવામાં આવે છે. જો કે ઇ.સ. 2011માં થયેલા સુધારા બાદ કોઈપણ ક્ષેત્ર જે માનવવિકાસ તરફ લઈ જતું હોય તેવા દરેક ક્ષેત્રમાં આ એવાર્ડ આપવાનું શરૂ થયું.

   કર્પૂરીજીને આ એવાર્ડ મરણોત્તર આપવાની જાહેરાત થઈ છે. અત્યાર સુધીમાં 15 લોકોને આ એવાર્ડ મરણોત્તર મળેલ છે. કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં 24 જાન્યુઆરી, 1924ના રોજ થયો હતો. તેમણે 1940માં પટનાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા હતા. કર્પૂરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. આ પછી તેમણે સમાજવાદનો માર્ગ પસંદ કર્યો અને 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું.

   ભારતને આઝાદી મળી, પછી તેમણે ગામડાની એક નિશાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ઇ.સ. 1952માં તેઓ તેજપુર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઇ.સ.1960માં  કેન્દ્ર સરકારના કર્મચારીઓની સામાન્ય હડતાળ દરમિયાન પી એન્ડ ટી કર્મચારીઓની આગેવાની કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1970માં, તેમણે ટેલ્કો મજૂરોના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે 28 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા.

  તેઓ બિહારના શિક્ષણમંત્રી પણ બન્યા અને અંગ્રેજી ભાષાના ફરજિયાત શિક્ષણ પર તેમણે રોક લગાવી હતી. સરકારી ઓફિસોમાં અંગ્રેજીને બદલે હિંદીને મહત્વ આપનાર તેઓ પ્રથમ રાજનેતા હતા.  ઇ.સ. 1970માં તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા. તે સમયે તેમણે બિહારમાં દારૂબંધી માટે ઘણા પ્રયાસો કરેલા. એટલું જ નહી તે સમયે તેમણે પછાત જાતિના વિસ્તારોમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના પણ કરેલી. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ નાબૂદ કરી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો. આ પછી તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારના રાજકારણમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા. ઇ.સ. 1977માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા.  

   કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમના અઢી વર્ષના શાસન દરમિયાન તેમણે ગરીબો, દલિતો અને પછાત લોકો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. 1952 થી 1984 સુધી તેઓ ક્યારેય વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી. આ પછી પણ તેણે પોતાની જાતિના વાળંદના વ્યવસાયનું સન્માન જાળવી રાખ્યું. સીએમ બન્યા પછી પણ તેમના પિતા ગોકુલ ઠાકુર વાળંદના પરંપરાગત વ્યવસાયથી પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. એકવાર કર્પૂરી ઠાકુરે પોતે ગામડાના લગ્નમાં વાળંદની ભૂમિકા ભજવી હતી.

  તેઓ સરકારી નોકરીની લાગવગ લઈને આવનાર દરેકને પોતાનો પરંપરાગત વ્યવસાય કોઈપણ જાતની શરમ રાખ્યા વિના કરવાનું કહેતા. તેઓ મુખ્યમંત્રી હોવા છતાં એકદમ સાદું જીવન જીવતા. તેમના પિતાનું અપમાન કરનાર એક માથાભારે વ્યકિતના ઘરે જઈને તેમણે વાણંદનું કામ કરવાનું કહેલ. તેમણે ક્યારેય પોતાના પદનો ગલત લાભ નહોતો ઉઠાવ્યો. ઇ.સ. 1988માં તેઓનું મૃત્યુ થયા બાદ આજે પણ બિહારના ઘર ઘરમાં તેઓના આદર્શો અને સાદગીની ચર્ચા થતી રહે છે.

    ઠાકુર ગરીબોના ચેમ્પિયન તરીકે જાણીતા હતા. 1978 માં, કર્પૂરી ઠાકુરે બિહારમાં સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટે 26% અનામત મોડલ રજૂ કર્યું. આ સ્તરીય આરક્ષણ શાસનમાં, અન્ય પછાત વર્ગને 12%, સૌથી વધુ પછાત વર્ગને 8%, સ્ત્રીઓને 3%, અને ઉચ્ચ જાતિઓમાંથી આર્થિક રીતે પછાત વર્ગને રાજ્ય સરકારની નોકરીઓમાં 3% અનામત મળી. ભારતમાં આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.

  ઠાકુરે સંયુક્ત સમાજવાદી પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન, દેવેન્દ્ર પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર જેવા અગ્રણી બિહારી નેતાઓના માર્ગદર્શક કહેવામાં આવે છે. બિહારના નેતાઓ તેઓના આદર્શો અને સિદ્ધાંતો પર આજે પણ ચાલે છે.

 

 

 

  

 

શ્રીપંચમી, 'હરી રયા સરસ્વતી'.માણસની જિંદગી પ્રત્યેની શ્રદ્ધાને જીવંત કરવાનો દિવસ!

 

શ્રીપંચમી, 'હરી રયા સરસ્વતી'.માણસની જિંદગી પ્રત્યેની શ્રદ્ધાને જીવંત કરવાનો દિવસ! 

 Basant Panchami 2023: Date, history, significance, puja timings,  celebrations - Hindustan Times

 

       વસંતઋતુની વાત આવે એટલે જિંદગીમાં કશુંક નવું થવાના એંધાણ મળે. મને ઘણીવાર વિચારો આવે છે કે વસંતઋતુ ના હોત તો, કાલિદાસ ના હોત, ઘણા બધા લેખકો અને મોસ્ટ ઓફ કવિઓ અને શાયરોની કલ્પનાઓ અધૂરી રહી ગઈ હોત. આજની આ પૂર્તિ પણ વસંતના આગમનથી બદલાયી છે. તેમાં પણ નવીનતા આવી છે, નવી નવી કૂંપળો ફૂંટી છે. નવા શબ્દોનો પગરવ વસંત સિવાય કોણ ફીલ કરાવી શકે?

  વસંત આપણને કશુંક એવું ફીલ કરાવે છે, જેને લીધે આપણે ધબકતા રહીએ છીએ. હ્રદય એકાદ ધબકારો ચૂંકી જાય એવો વૈભવ વસંતનો હોય છે. આ દિવસે પ્રકૃતિની હલ્દી રસમ હોય છે. હવે ખળામાં નવું ધાન આવશે, હવે જિંદગીમાં નવા રંગો આવશે, જે કઈ ખરી જવાનું હતું, તે ખરી ગયું, હવે તો વૃક્ષે, વૃક્ષે અને ડાળીએ ડાળીએ નવી કૂંપળો પોતાની પોસ્ટ અપલોડ કરશે. જો કે વસંતઋતુની ફીલિંગ મન અને હ્રદય પર વધુ પોસ્ટ થતી રહે છે. અને એ પોસ્ટ કોઈપણ પ્રકારની લાઈક,કમેંટ કે શેર ને આધીન નથી હોતી.

  વસંત એ પ્રકૃતિના માણસ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. આપણે જો કે આજકાલ પ્રકૃતિ સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ ભૂલી ગયા છીએ, વસંતઋતુ આપણને દર વર્ષે એ સંબંધ રીફ્રેશ કરાવતી રહે છે. એ આપણને હળવેકથી કહેતી જાય છે, કે પ્રકૃતિ સાથે જોડાવાનું આ વણજોયું મુહૂર્ત છે. એને ફીલ કરો અને કુદરત તરફ પાછા વાળો જિંદગીમાં નવીનતા અને વિવિધતાનું મહત્વ વસંત-પંચમી સિવાય આપણને કોણ ફીલ કરાવી શકે કે કોણ સમજાવી શકે? બસ આપણે એ તરફની બારી ખુલ્લી રાખવાની છે.

  સૂફી પરંપરા મુજબ વસંત પંચમીના દિવસે હિન્દુ સ્ત્રીઓને ફૂલો લઈને મંદિરમાં જતી જોયા બાદ, તેઓના ચહેરા પર પ્રેમની અભિવ્યક્તિ જોઈને પોતાના ઓલિયા નિઝાનુદિનને પોતાના ભત્રીજાના મૃત્યુના દૂ:ખમાથી બહાર લઈ આવવા તેમણે પણ વસંતઋતુની ઉજવણીનો ઉત્સાહ પોતાના ગાયનમાં સમાવ્યો. ભારતનું દરેક રાજય અલગ જિંદગી જીવે છે, પણ વસંતનો આનંદ લગભગ દરેક રાજ્યમાં જુદા જુદા નામે ઉજવાતો રહે છે. ઋતુરાજ વસંતની અસરથી વળી કોણ બાકાત રહી શકે?

 આ દિવસ  મા સરસ્વતીની પૂજાનો દિવસ પણ છે. આજના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજના દિવસે બાળક પોતાની જીંદગીનો પ્રથમ અક્ષર માંડતા શીખે છે. મા સરસ્વતી આપણાં સૌની જ્ઞાન, ભાષા, અને બધી જ કલાની દેવી છે, આજના દિવસે મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને સૌ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરે છે. કશુંક નવું એ વસંતઋતુના આગમનનો ઘંટારવ છે. જે લોકોના હ્રદય અને જીવનમાં કાયમ ગુંજતો રહે છે.

  શિક્ષણ વ્યક્તિના જીવનની પાનખરને દૂર કરી તેને નવા જ્ઞાન તરફ લઈ જાય છે. શિક્ષણને આપણે આપણાં તમામ પ્રશ્નોનો ઉકેલ માનીએ છીએ. પરિવર્તનનું સૌથી શ્રેસ્ઠ માધ્યમ માનીએ છીએ. હકીકત તો છે કે શિક્ષણ વ્યક્તિના જીવનની વસંત છે, જે તેને જીંદગીનો સાચો આનંદ ફીલ કરતા શીખવે છે. માણસના જીવનમાં પાનખર ભલે આવે જો આપણે નવા નવા રસ્તાઓ શોધતા રહીશું તો પાનખર પછી વસંતના પગરવ થશે જ! જ્ઞાન એ ધન છે, જે આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી અને જ્ઞાનના આરંભનો દિવસ એટલે વસંત પંચમી.

 સૃષ્ટિ નવા નવા રંગો આપણાં જીવનમાં ઉમેરતી રહે છે, બસ આપણે એ રંગોથી જિંદગીની રંગોળીને સભર બનાવતા શીખી જઈએ. વસંતપંચમી એટલે નવા જીવનની શરૂઆત માટેનું વણજોયું મુહૂર્ત. ગમે તેટલા હતાશ-નિરાશ થઈ જઈએ, પણ જીવન પ્રત્યેની આપણી શ્રદ્ધા જીવંત રહેવી જોઈએ. વસંત આપણને એ વાતનો અહેસાસ કરાવે છે, કે ગમે તેવી વિપરીત પરિસ્થિતી વચ્ચે પણ ખિલતા રહીએ.

  વળી આ એ દિવસ છે, જ્યારે શિવે પોતાના ત્રીજા નેત્ર દ્વારા કામદેવને બાળીને ભસ્મ કરી દીધેલાં. અને એ ભસ્મ થયેલા કામદેવને તેની રાખમાથી પુનર્જન્મ તરફ વાળવાનું કામ રતીએ કરેલું. એવી માન્યતા છે કે આ દિવસે કામદેવ અને રતી પૃથ્વી પર આવે છે. અને માટે આ પ્રેમનો એ દિવસ છે, જ્યારે પ્રેમીઓના હૈયા એકબીજાને જોઈને ધબકતા રહે છે. રાધા અને કૃષ્ણના હ્રદયમાં થયેલ વસંતના આગમનનો પગરવ આજે પણ પ્રેમીઓના હ્રદયમાં સંભળાતો રહે છે. પ્રેમ જ સમગ્ર વિશ્વનું સૌથી મોટું પાવર-હાઉસ છે, તેની ઉર્જા થકી જ આ વિશ્વ ધબકતું રહે છે. અને એટલે જ પ્રેમ ક્યારેય સફળ કે નિષ્ફળ, સાચો કે ખોટો નથી હોતો. પ્રેમ એટલે પ્રેમ

 વસંતઋતુ એ પ્રકૃતિનું બ્યુટી પાર્લર છે, જે પ્રકૃતિને સોળે કળાએ ખિલવવાનું કામ કરે છે. અને સાથે સાથે આપણને પણ જિંદગીના સાચા સૌંદર્યનો પરિચય કરાવે છે.

 

Thursday 25 January 2024

‘રામ-મુર્તિ’ સ્થપાશે, રામના આદર્શો અને સિદ્ધાંતોનું સ્થાપન કયારે?

 

‘રામ-મુર્તિ’ સ્થપાશે, રામના આદર્શો અને સિદ્ધાંતોનું સ્થાપન કયારે? 

10 qualities of Lord Ram Everyone should learn - BHU Express

          આ લેખ પ્રસિદ્ધ થશે, ત્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં 500 વર્ષો પછી શ્રી રામ નો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થઈ ચૂક્યો હશે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં રામ-ફીવર છવાઈ ગયો છે. બધા પોતપોતાની રીતે આ ઉત્સવને ઉજવી લેવાના રસ્તાઓ પસંદ કરી રહયા છે. એવું લાગી રહ્યું છે કે આજે ફરીથી શ્રી રામ પોતાનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે. સોસિયલ મીડિયાની પરિભાષામાં કહીએ તો રામ અને રામાયણ આજે સૌથી વધુ વાઇરલ થઈ રહ્યા છે.

  રામાયણ અને રામ ભારતીય પ્રજા માટે કોઈ મહાકાવ્ય કે કોઈ મહાન પાત્ર નહી, પણ લાગણીઓ છે, સંવેદનાઓ છે. આ એવી વાર્તા છે, જેને ભારતીય પ્રજા વર્ષોથી ભજવતી આવી છે, સાંભળતી આવી છે, વાંચતી આવી છે. ભાગ્યે જ ભારતનું કોઈ ઘર એવું હશે, જેમાં રામાયણનું પુસ્તક નહી હોય! રામ કથા ઓલ ટાઈમ હીટ કથા છે. જ્યારે પણ જોઈએ કે સાંભળીએ કે વાંચીએ આપણને નવી જ લાગતી રહે. જેટલું સમજતા જઈએ એટલી નવી નવી સમજણો એમાથી નીતરતી રહે.

  રામ,સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાન, રાવણ, જટાયું, શબરી, કૈકેયી, વગેરે વગેરે પાત્રો આપણને કશું ને કશું શીખવતા જ રહે છે. રામકથા એ દૂધ જેવી છે, જેની નવી નવી પ્રોડક્ટસ બજારમાં મુકાતી જ રહે છે. એ સફેદ રંગ જેવી છે, જેમાં જિંદગીના દરેક રંગો જીલાય જતાં હોય એવું લાગતું રહે છે. એના થકી જે પ્રકાશ ફેલાય છે, તે આપણી જીંદગીની દરેક ક્ષણોને પ્રકાશિત કરતી રહે છે. ટૂંકમાં રામાયણ અને રામ વગરના ભારતની કલ્પના જ થઈ શકે એમ નથી.

  પણ મારે આજે તમને બધાને એક પ્રશ્ન પૂંછવો છે, શું ખરેખર આ કથા આપણે જીવી રહ્યા છીએ ખરા? રામ મંદિરમાં રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ જશે, પણ આપણાં સૌના જીવનમાં અને ઘરમાં રામાયણના આદર્શો અને સિદ્ધાંતોની એન્ટ્રી થશે ખરી? શું કોઈ ભરત બનવા તૈયાર થશે, જેણે મોટા ભાઈ માટે અયોધ્યાની રાજગાદીને પણ છોડી દીધી હતી? છે કોઈ લક્ષ્મણ જે મોટા ભાઈ માટે ચૌદ વર્ષોનો વનવાસ ભોગવવા તૈયાર થઈ જશે?  બનશે, કોઈ જટાયું જે ખોટી  બાબતો સામે અવાજ ઉઠાવવા પોતાનો જીવ આપી દેવા તૈયાર થશે? હનુમાન જેવી સેવા કરવા છે કોઈ તૈયાર? છે કોઈ શબરીની જેમ શ્રદ્ધાનો પર્યાય બનવા તૈયાર? રામના આદર્શો અને સિદ્ધાંતો પર ચાલવા કોઈ છે તૈયાર?  

  મિલકતો માટે લડતા ભાઈઓને અને બહેનોને જોઈને એવું નથી લાગી રહ્યું કે આપણે રામાયણને માત્ર વાંચી કે સાંભળી રહ્યા છીએ, જીવનમાં નથી ઉતારી રહ્યા? સંબંધોમાં રહેલી શ્રદ્ધા ઘટી રહી છે, નાનપણમાં એકબીજાનો હાથ ઝાલીને મોટા થયેલા ભાઈ-ભાઈ મિલકતોની વહેંચણી સમયે એકબીજાનો જીવ લેવા પણ તૈયાર થઈ જતાં હોય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પણ શ્રદ્ધાનું જીવંત તત્વ ખોવાઈ રહ્યુ છે. મોટા ભાગના સંબંધો આજે શંકાની એરણ પર ચકાસાય રહ્યા છે, ત્યારે રામાયણ થકી એ સંબંધોને પુન:જીવિત કરીશું તો સાચા અર્થમાં કશુંક સ્થાપિત થયેલું ગણાશે!

 હકીકત તો એ છે કે આપણે કુટુંબ-વ્યવસ્થા ને જ સમાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. રામાયણમાં રહેલા સારા સારા તત્વોને આપણે જરૂરિયાતોના ઢગલામાં ઢાંકી દીધા છે. આ ધર્મગ્રંથે આપણને ધર્મના રસ્તાઓ પર ચાલતા શીખવ્યું છે, પણ આપણે એ રસ્તે જઇ રહ્યા છીએ ખરા? રામરાજય માત્ર મુર્તિ સ્થાપિત કરી દેવાથી નથી આવવાનું. એના માટે રામાયણે અને રામે આપેલા સત્ય અને પ્રામાણિકતાના રસ્તે ચાલવું જરૂરી છે. રામની જેમ જેની પાસેથી જે કઈ સારું શીખવા મળે એ શીખી લેવા તૈયાર રહીશું તો શુશાસન લાવી શકીશું.

  સમાજની સમસ્યાઓ સામે લડવા રામાયણના પાત્રો પાસેથી આપણે કશું જ નથી શીખી રહ્યા. રામરાજય એટલે જ્યાં કોઈ કોઈને છેતરે નહી, એક એવી વ્યવસ્થા જ્યાં બધા જ વ્યવહારો શ્રદ્ધા પર ચાલે. પણ આપણે તો ડગલે ને પગલે એકબીજાને છેતરી રહ્યા છીએ. આપણે તો એવું જ માની લીધું છે કે કોઈને છેતર્યા વિના જિંદગીમાં આગળ વધી જ ના શકાય! આમાં ક્યાં રામ અને ક્યાં રામાયણ?

    આપણે રામાયણને એક કાલ્પનિક કથા તરીકે માત્ર સાંભળી રહ્યા છીએ, જીવનમાં ઉતારી નથી રહ્યા. રામની મુર્તિ પ્રતિષ્ઠા માટે આપણે જેટલો સંઘર્ષ કર્યો એટલો સંઘર્ષ  રામના આદર્શોને સ્થાપિત કરવા માટે કરવાની જરૂર છે. રામાયણ અને રામ  એક આખી વિચારધારા છે, જેને આપણે માત્ર ધર્મસ્થાનોમાં જ નહી પણ વાસ્તવિક જીવનમાં પણ ઉતારવાની છે.

  રામ માત્ર ત્રેતાયુગ પૂરતા મર્યાદિત ના હોય શકે, એ તો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, બસ જરૂર છે, માત્ર તેઓના વિચારોને આપણાં સૌના જીવનમાં અને સમાજવ્યવસ્થામાં એન્ટર કરવાની...... સાચું સ્થાપન તો એ જ કહેવાશે ને?  

 

Wednesday 3 January 2024

સામેના પાત્રની ‘પ્રાયોરિટી’ બનો, ‘સેકન્ડ ચોઈસ’ નહી.....

 

સામેના પાત્રની ‘પ્રાયોરિટી’ બનો, ‘સેકન્ડ ચોઈસ’ નહી.....

Sexless Relationships Are More Common Than You Think

 

 

         હમણાં એક મિત્ર પાસેથી એક દીકરી વિષે વાત સાંભળી. તેના સગામાં કોઈ દીકરીએ  સગાઈ કરી, થોડા જ સમયમાં સગાઈ બંને વચ્ચે મનમેળ ના થતાં તૂટી ગઈ. સગાઈ તૂટે, એટલે સામસામા આક્ષેપો થાય, આમાં પણ આવું જ થયું. થોડા સમય બાદ આ દીકરીનું બીજે સગપણ કરી, લગ્ન પણ કરી દેવામાં આવ્યા. અને અહીથી જોજો વાર્તામાં કેવો વળાંક આવે છે!

   લગ્નની પ્રથમ રાત્રે જ દીકરીએ એ યુવાન સામે ધડાકો કર્યો કે હું એક વ્યક્તિના પ્રેમમાં છુ અને મારે તારી સાથે નથી રહેવું.  પેલા યુવાનને એમ થયુ થોડો સમય જશે એટલે બધુ ઠીક થઈ જશે, પણ એવું ના થયું. પેલી દીકરી માની જ નહી. પેલા છોકરાએ ઘણું સમજાવી જોઈ,પણ પેલી ના માની. એકદિવસ છોકરાએ ગુસ્સે થઇ પેલી દીકરીનો મોબાઇલ ચેક કર્યો તો ખબર પડી કે તેણી પેલા છોકરા સાથે રોજ વાતો કરતી અને ચેટ પણ કરતી હતી!

  તે દિવસે રાત્રે તેણે પેલી છોકરીને છેલ્લી વાર સમજાવી જોવાની કોશિશ કરી. પણ પેલી ના માની. અને કહ્યું કે મારે છૂટા-છેડ્ડા લેવા છે. પેલા છોકરાએ દીકરીના માતા-પિતાને બોલાવ્યા અને બધી વાત કરી. માતા-પિતાએ પણ સમજાવી પણ છોકરી ના માની. પેલા યુવાન સાથે છુટ્ટાછેડા લઈ તેણી પિયર પાછી આવી. માતા-પિતાએ કહ્યું, બોલાવ એ છોકરાને અમે તેની સાથે તારા લગ્ન કરી દઈએ.

  અને દીકરીએ કહ્યું, હું જ્યાં પહેલા નોકરી કરતી હતી, ત્યાં એ છોકરો મને મળ્યો હતો અને એ પરણેલો છે. તેને બે બાળકો છે. પણ તેને મને કહ્યું છે કે તે બધુ છોડીને મારી સાથે રહેવા આવશે. ઘરે બધાએ બહુ સમજાવી, પણ તેણી ના માની. આજે આ વાતને 3વર્ષો વીતી ગયા છે. નથી પેલો પરણેલો પુરુષ પાછો આવ્યો કે નથી આ છોકરી માની રહી. હવે તો તેણીને સરકારી નોકરી પણ મળી ગઈ છે અને તેણે એકલી રહેવા ચાલી ગઈ છે. પેલો તેણી સાથે સંપર્ક રાખે છે, પણ તે પોતાના કુટુંબને છોડીને આ છોકરી સાથે પરણવા માંગતો નથી. અને પેલી છોકરીને હજી એવો ભ્રમ છે કે પેલો એકદિવસ તેને સ્વીકારશે.

  આવા કિસ્સાઓ આજે સમાજમાં કોમન થઈ ગયા છે, ત્યારે માતા-પિતા અને ઘરના સભ્યોએ દીકરીઓને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ પારખતા શીખવવાની ખાસ જરૂર છે. હવે દીકરીઓ ઘરની દીવાલો બહાર નીકળતી થઈ છે, એટલે આ બાબત શિખવવી ખાસ જરૂરી છે. દીકરીઓ પણ ઘરનો એક અગત્યનો હિસ્સો છે. આવું થાય છે, કારણકે તેણીને ઘરમાં પ્રેમ નથી મળતો અને પછી દીકરીઓ એ પ્રેમ બહાર શોધતી થઈ જાય છે.

  ઘણીવાર તો માત્ર ને માત્ર જરૂરિયાતો માટે દીકરીઓ આવા પરણેલા પુરુષના આકર્ષણમાં ખોવાય જતી હોય છે. અને આખી જિંદગી તેઓની બગડી જતી હોય છે. દીકરીઓને પાસે બેસાડીને સમજાવીએ કે પરણિત પુરુષ ક્યારેય તેને પત્ની તરીકેની પદવી આપી શકે એમ જ હોતા નથી. તેઓ માટે આવા સંબંધો માત્ર ટાઇમપાસ હોય છે. અને જો કદાચ આવા સંબંધોમાં બંધાયેલો પુરુષ પોતાનું કુટુંબ છોડીને આવે, તો પણ આ બંધન લાંબો સમય ટકતું નથી.

     સાથે સાથે એ પણ સમજાવીએ કે આવા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી હોતું, પરિણીત પુરુષો આવા સંબંધો પ્રત્યે ક્યારેય સીરિયસ નથી હોતા, આવા અફેર્સમાં ક્યારેય વિશ્વાસ કે વફાદારીની લાગણી નથી હોતી, આવા સંબંધોની એક્સપાયરી ડેટ પહેલેથી નક્કી જ હોય છે, ઉત્સવોમાં, પ્રસંગોમાં દરેક જગ્યાએ એકલા જ રહેવું પડે છે, આવા સંબંધો સ્ત્રીઓને અંદરથી તોડી નાખતા હોય છે, સમાજ સામે પણ એકલા હાથે લડવું પડે છે, આવા સમયે પેલો પુરુષ ક્યારેય સાથે રહેતો નથી. આવા પુરુષોનું કુટુંબ ક્યારેય આ દીકરીઓને સન્માન આપવાનું નથી.

 આવા અફેર્સમાં સૌથી વધુ નુકસાન દીકરીઓને જ થતું હોય છે. ઘણીવાર તો આવી રીતે ભૂલ કરીને આવેલી દીકરીને કુટુંબ ફરીથી સ્વીકારતું પણ નથી. અને તેણી પાસે આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. વળી આવા અફેર્સને લીધે સ્ત્રીને બીજા ઘણા સારા પાત્રો પણ ગુમાવવા પડે છે. દીકરીઓને સ્વસ્થ સંબંધનું મહત્વ સમજાવો અને આવા રસ્તે જતાં રોકો.......

Wednesday 27 December 2023

મોટીવેશનનો ધસમસતો પ્રવાહ 'યંગ જનરેશન' ને ડૂબાડી રહ્યો છે........

 મોટીવેશનનો ધસમસતો પ્રવાહ  'યંગ જનરેશન' ને ડૂબાડી રહ્યો છે........

Understanding Intrinsic and Extrinsic Employee Motivation


  હમણાં F.Y.B.A. ના ક્લાસમાં ચર્ચા દરમિયાન એક છોકરીએ કહ્યું, મેડમ મારે બેંકમાં નોકરી લેવી છે, અને મે આર્ટ્સ રાખી લીધું છે. હવે હું બેન્કની નોકરી કરી શકીશ? એટલે મે એને પૂંછયું કે જો તારે બેંકમાં જ જવું હતું, તો પછી આર્ટ્સ શા માટે રાખ્યું? તો કહે મેડમ અમે સ્કૂલમાં ભણતા ત્યારે એક મોટીવેશનલ સ્પીકરે અને એક ક્લાસીસ વાળાએ એવું કીધેલું કે I.A.S. કે I.P.S. બનવું હોય તો આર્ટ્સ રખાય. તેમણે એવા મોટા મોટા ઉદાહરણો આપ્યા કે મે ભ્રમમાં પડી મારૂ ગણિત સારું હતું, છતાં આર્ટ્સ રાખી લીધું! હવે મને પણ અફસોસ થાય છે,પણ શું થાય?

  મોટીવેશન આજકાલ આ શબ્દ બહુ ટ્રેન્ડમાં છે. જેની પાસે જેટલું જ્ઞાન છે, તેને લોકો વોટ્સ-એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ કે બીજા કોઈ સોસિયલ મીડિયા પર ઠલવતાં જ રહે છે. બાકીનું વધે એ સેમિનારો દ્વારા ઠલવાતું રહે છે. તેઓ વોટસએપ પર મેસેજ બનીને, ફેસબૂક પર પોસ્ટ બનીને, ઇનસ્ટા પર રીલ બનીને કે પછી યુ-ટ્યુબ પર વિડીયો કે શોર્ટ્સ દ્વારા પ્રગટતાં જ રહે છે.

  કોઈને પ્રેરણા આપતા રહેવી એ સારી બાબત છે, પણ હવે આ મોટીવેશન નો ઓવરડોઝ થઈ રહ્યો છે. ઘણીવાર તો એવું લાગે છે કે આ ઓવરડોઝને લીધે આજના લોકો વધુ સ્ટ્રેસ અનુભવતા થઈ ગયા છે. મોટીવેશન લોકોમાં રહેલી ક્ષમતાઓને બહાર લઈ આવવા માટે હોય છે, નહી કે જે ક્ષમતાઓ તેઓમાં છે જ નહી, તેના વિશે તેઓમાં ગલતફેમી એન્ટર કરવામાં!

   હવે જે વિદ્યાર્થી માંડ માંડ પાસ થઈ શકે એમ છે, તેને વિજ્ઞાન પ્રવાહમાં તું જઇ શકે એમ છો, એવી પ્રેરણા આપવાનો શો અર્થ? આ મોટીવેશનલ સેમિનારોને કારણે આજે યુવાનો અને યુવતીઓ ઓવર એમ્બીસિયસ બની રહ્યા છે. તેઓની પોતાની જાત પાસેથી અપેક્ષાઓ વધી રહી છે, જે પૂરી ના થતાં તેઓ વધુ હતાશા અને નિરાશા ફીલ કરી રહ્યા છે.

   નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ વધુ પડતું નથી, જિંદગીમાં ઘણા લોકો માટે ઘણું શકય નથી હોતું. પ્રેરણાનો એક અર્થ એ પણ છે કે લોકોને એ જે કરી શકે એમ નથી, તે મર્યાદાઓ પણ જણાવવી. પણ આજકાલ આ વધુ પડતી પ્રેરણા આપનારા લોકો ખાસ કરીને યંગ જનરેશનને ગલત રસ્તે લઇ જઇ રહ્યા છે. આવી મોટી મોટી વાતો સાંભળીને તેઓ પોતાની જાતને ઓવરસ્માર્ટ સમજવા લાગતાં હોય છે અને એ બાબત જ તેઓ માટે ખતરનાક સાબિત થતી હોય છે.

  કા તો એવી વાતો ચાલતી હોય છે કે ભણે એ જ આગળ વધે એવું જરૂરી નથી, તમારી અંદર બીજી કોઈ ક્ષમતા હોય તો પણ તમે આગળ વધી શકો છો, અરે યાર ક્ષમતા હોય તોના હોય તો..... તો ફરજિયાત ભણવું જ પડે છે. ડીગ્રીઓ લેવી જ પડે છે. સચિન તેંડુલકર, લતા મંગેશકર, ધીરુભાઈ અંબાણી, ભલે ઓછું ભણીને સફળ થયા છે, પણ એવી ક્ષમતા પણ હોવી જરૂરી છે ને?  તેઓ સમાજથી અલગ રહીને આપણને જીવવાનું કે સમાજથી અલગ રસ્તાઓ પકડીને આગળ વધવાનું શીખવે છે, પણ બધામાં એ ક્ષમતા હોતી નથી.

  જેવી રીતે આજના યુવાનો અને બાળકો પર માતા-પિતાની અપેક્ષાઓનું દબાણ હોય છે, તેમજ આવા મોટા મોટા વાક્યો પણ દબાણ ઊભું કરતાં રહે છે. માઇન્ડ મેનેજમેન્ટ શીખવતા શીખવતા તેઓ જ લોકોના માઇન્ડ પર હાવી થઈ રહ્યા છે.

  સંબંધોના મેનેજમેન્ટ બાબતે પણ આ લોકો પોતાના જ્ઞાનના ઓવરડોઝ લોકોને આપતા રહે છે. આમ કરાય અને આમ ના કરાય એની લાંબી યાદી તેઓ લોકો પર થોપતા રહે છે. જેઓ આપણને માફ કરીને શાંતિ મેળવી લેવાનું શીખવતા હોય છે, તેઓ પાછા તેઓની આસપાસ કામ કરતાં લોકોને નાની ભૂલ માટે પણ માફ કરવા તૈયાર નથી હોતા!

   જેમ દવાનો ઓવરડોઝ આપણને નુકસાન કરે છે, તેમજ મોટીવેશનનો ઓવરડોઝ પણ નુકસાન જ કરે છે. કોઈ શીખવે એમ જિંદગી જીવી શકાતી નથી. કારણકે દરેકની પરિસ્થિતી અને સમસ્યાઓ અલગ અલગ હોય છે.

  એમાં પણ જે ક્ષમતાઓ બાળકોમાં કે યુવાનોમાં છે જે નહી, એને તમે પ્રેરણા આપી આપીને કેવી રીતે બહાર લાવી શકશો?  આ સોસિયલ મીડિયા ને સેમિનાર્સના ચક્કરમાથી બહાર આવી જવાની જરૂર છે. ખુદને ઓળખી લઈએ બસ એટલું પૂરતું છે. તમને થશે તમે પણ મોટીવેશન આપવાનું ચાલુ કર્યું કે શું?

     

   

  

  

Friday 15 December 2023

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે.

 

‘દબાણ’ આપણી રાષ્ટ્રીય આદત બની ગયું છે. 

 Negative Effects of Parental Stress on Students - Bay Atlantic University -  Washington, D.C.

 

 

     હમણાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં  આપણી ટીમ હારી ગઈ, એનું સૌથી મોટુ કારણ હતું, આખા રાષ્ટ્રનું દબાણ. આપણે જીતવા જ જોઈએ, એવી આપણાં સૌની અપેક્ષાઓના ભાર હેઠળ ટીમ ઈન્ડિયા પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન ના કરી શકી. જિંદગીમાં નાના મોટા દબાણો સામે સૌ કોઈ ટકી જતાં હોય છે, પણ સતત અને એ પણ આપણે જાતે જ ઊભા કરેલા દબાણને ઘણીવાર આપણે જીરવી શકતા નથી.

  જીંદગી પ્રેશર કુકર જેવી બની ગઈ છે. આપણે સૌ એટલા બધા દબાણમાં જીવી રહ્યા છીએ કે એ ગમે ત્યારે ફાટી જવાનો ડર લાગ્યા કરે છે. આપણને બધુ જ ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. જમવાનું અને સફળતા પણ! વળી જેઓ જે તે ક્ષેત્રમાં સફળ ના થઈ શકે એમ હોય તેને પણ આપણે દબાણ કરતાં રહીએ છીએ. 90% થી 99.99% લાવનાર પણ દબાણમાં છે અને બિચારા જેઓને ભણવું નથી ગમતું તેઓ પણ દબાણમાં છે! તેઓ પર તો આખું ગામ તૂટી પડતું હોય છે. સફળ થઈ ગયેલાઓને એ સફળતા ટકાવી રાખવાનું દબાણ છે અને જેઓ સફળ નથી તેઓને સફળ થવાનું દબાણ છે.

   સ્ત્રીઓ પર કુટુંબને દીકરો આપવાનું દબાણ છે અને દીકરીઓ પર તો દબાણનું એક આખું લાંબુ લિસ્ટ થોપી દેવામાં આવ્યું છે. બાળક હજી તો ચાલતા શીખે ત્યાં નિશાળના પગથિયાં ચડવાનું દબાણ છે. તેના પર તો બાજુવાળાના બાળકોને આવડતું બધુ જ શીખી લેવાનું દબાણ છે, એ દબાણમાં ને દબાણમાં તો તેઓનું બાળપણ બિચારુ ડૂસકાં ભરતું ભરતું ક્યાંક ખોવાઈ ગયું છે. આજે જ એક સર્વેમાં વાંચ્યું કે અમેરીકામાં માતાપિતા બાળકોના સુખ પર વધુ ધ્યાન આપે છે, જ્યારે ભારતમાં બાળકોના સફળ થવા માટે વધુ ભાર આપવામાં આવે છે.

  લગ્ન અને બીજા સારા પ્રસંગોએ સૌથી સારો પૈસાનો બગાડ કોણ કરે? એ દબાણ હોય છે. અરે પ્રસંગોમાં ક્યારેક ધ્યાનથી સાંભળીશુ તો જાણી શકીશું કે વર-વધુથી લઈને સગા-સંબંધીઓ બધા પર સારા કપડાં પહેરવાનું કે સારા દેખાવાનું જબરદસ્ત દબાણ હોય છે. વળી દરેક પ્રસંગોમાં બીજા કરતાં અલગ શું કર્યું? એ દબાણ તો આખા પ્રસંગની આન, બાન અને શાન બની રહેતું હોય છે! અરે દૂ:ખદ પ્રસંગોએ રડવાનું પણ દબાણ હોય છે! જાણે આંસુઓ એ લાગણીઓનો મોટો માપદંડ હોય એવું લાગતું રહે છે.

  મોટા ભાગના સંબંધો અપેક્ષાઓના બોજ હેઠળ દટાઈ રહ્યા છે. એકબીજા પર લાગણીઓને બદલે આપણે અપેક્ષાઓ જ જાણે કે થોપી રહ્યા છીએ. એ અપેક્ષાઓના દબાણને લીધે લોકો આજકાલ સંબંધોથી ભાગતા થઈ ગયા છે. સંબંધોનું દબાણ માણસને માનસિક બીમારીઓ તરફ ધકેલી રહ્યું છે. કોઈ કોઈને જોઈતી સ્પેસ નથી આપી રહ્યું ને પરિણામે સંબંધોમાં ગેપ વધી રહ્યો છે.

   પુરુષો પર ઘરની તમામ જરૂરી ઓછી ને બિનજરૂરી વધારે એવી તમામ જવાબદારીઓ પૂરું કરવાનું દબાણ છે. બીજા કરતાં વધુ હાઇ-ફાઈ જીવન એ જાણે કે આપણી પ્રાથમિકતાઓ બની ગઈ છે. અને તેના દબાણ હેઠળ પુરુષો રીતસરના કચડાઈ રહ્યા છે. સમાજમાં વધી રહેલો ભ્રષ્ટાચાર પણ આ દબાણનું જ પરિણામ છે. આ દબાણને લીધે જ મોટા ભાગના ઘરોમાં ઝઘડાઓ વધી રહ્યા છે. કામના સ્થળે ટાર્ગેટસ પૂરા કરવાનું દબાણ તો કાયમ હોય જ છે.

  શિક્ષણથી માંડીને ધર્મ સુધી અને ધર્મથી લઈને કર્મ સુધી દરેક બાબતોમાં દબાણ જ દબાણ જ અનુભવાય રહ્યું છે. સમાજને અનુરૂપ થવાનું દબાણ ઘણા જીરવી શકતા હોતા નથી ને પરિણામે તેઓ પોતાનું શ્રેસ્ઠ જીવન જીવી શકતા નથી. ઘણીવાર આર્થિક અને સામાજિક દબાણ એટલું બધુ વધી જતું હોય છે કે હસતી રમતી વ્યક્તિઓ મૃત્યુ તરફ ધકેલાઇ જતી હોય છે. વૈચારિક રીતે આપણે હજી બહુ બદલાયા નથી. ને પરિણામે ધર્મ, રીત-રીવાજો, પરંપરાઓ, વગેરેના દબાણ હેઠળ લોકો એટલા કચડાઈ જતાં હોય છે કે શ્વાસ રુંધાઇ જતાં હોય છે. 
       મોટા ભાગના લોકો આ દબાણ હેઠળથી નીકળી જવા માંગે છે, પણ નીકળી શકતા નથી. આ દબાણને કારણે જ આપણે આજે અનેક રોગોને આમંત્રણ આપી ચૂક્યા છીએ. જે રોગો પ્રાચીન સમયમાં ક્યારેક જ થતાં હતા, તેવા રોગો આજે રૂટિન બની ગયા છે. દબાણને કારણે આપણે આપણી શારીરિક અને માનસિક ક્ષમતાઓને પૂરેપુરી નથી ખીલવી શકતા. બાળકો પર તો દબાણની ગઝબ અસરો થતી હોય છે. 
  દબાણ મુક્ત ભારત આજની તાતી જરૂરિયાત છે...... 

 

  

 

 

 

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

  પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!                          આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનુ...