.. धन के हाथों बिके हैं सब क़ानून अब किसी जुर्म की सज़ा ही नहीं!!! નિદા ફાજલી
14 જૂન, 2020 ના રોજ બોલિવૂડમાં કોઈએ વિચાર્યું ના હોય એવું કશુક બની ગયેલું. જે લોકોએ બપોરે પોતાના ટી.વી. સેટ. કે સોસિયલ મીડિયા ઓન કર્યું હતું તેઓ એ સામાચાર જોઈને આઘાતમાં ગરકાવ થઈ ગયેલા. ઘણાને એવું લાગેલું કે આ ફેક ન્યૂઝ છે. લોકો એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા હતા કે શું આ સમાચાર સાચા છે? પણ સાંજ પડતાં સુધીમાં તે સમાચાર સાચા છે, તેની ખરાઈ થઈ ગયેલી. તે દિવસે રડેલા ઘણાને આજે એ બનાવ ભૂલાય ગયો હશે. આમ પણ કહે છે કે લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે. તેઓ કોઈપણ ઘટનાને થોડા જ સમયમાં ભૂલી જતાં હોય છે. આજે આપણે સૌ પણ એ ઘટનાને ભૂલી ગયા છીએ. તમને થતું હશે કે એ દિવસે એવું તો શું થઈ ગયેલું? ઘણા તો ગૂગલ પર એ તારીખ સર્ચ પણ કરવા લાગ્યા હશે. પણ થોભો હું જ કહી દઉં......
એ દિવસે બોલિવૂડના ઇમર્જિંગ સ્ટાર અને થોડા જ મુવીઝ દ્વારા પોતાની અમીટ છાપ છોડી જનાર શુશાંતસિંગ રાજપૂતે આપઘાત કરેલો. આજે એ વાતને 1.5વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. એ દિવસ બાદ તેના મૃત્યુએ ઘણા વળાંકો લીધેલા. કેટલીક એવી બાબતો જે સામે આવી, તો લાગ્યું કે શુશાંતસિંગે આપઘાત નહોતો કરેલો પણ તેની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો સુધી સોસિયલ મીડિયા તેમના મૃત્યુના સમાચારોથી જ છવાયેલા રહ્યા. કેટ-કેટલા સત્યો સામે આવ્યા! કેટલી અફવાઓએ બજારને ગરમ રાખ્યું!
આપણે સૌ એવું માનતા હતા કે શુશાંતસિંગની હત્યા કે આત્મહત્યા? એ પ્રશ્નનો જવાબ આપણને મળશે. તેમના પિતા અને ઘરના બીજા સભ્યોએ પણ આ કેસ સી.બી.આઈ. ને સોંપવાની માંગણી કરી. આપણને સૌને એમ હતું કે આવા જાત-મહેનત કરીને આગળ આવેલ અને છેક સુધી લડી લેનાર અભિનેતા આવી રીતે આપઘાત કરે જ નહી. કેટલા બધા લોકોને તપાસ કરવા બોલાવેલા. રોજ નવા નવા નામો બહાર આવતા પણ ખરેખર શું થયું હતું? તે ક્યારેય આપણી સામે ના આવ્યું!
ચારે બાજુ વિરોધ થતાં સરકારે તપાસ તો શરૂ કરાવી, પણ એ તપાસને ડ્રગ્સ સાથે જોડી, બે-ત્રણ મોટી મોટી અભિનેત્રીઓને તપાસ માટે બોલાવવાના નાટક કરીને આ આખા કેસને નબળો કરી દેવામાં આવ્યો. આજે હવે આ કેસ વિષે કોઈ જાણવાની કોઈ માંગણી પણ કરતું નથી. શરૂઆતની લડત બાદ તેમના કુટુંબીજનોએ પણ કશો અવાજ ના ઉઠાવ્યો. અને આપણે સૌએ આ વર્ષની 14મી જૂને તેમની પ્રથમ પુણ્યતિથિ ઉજવીને સંતોષ માની લીધો! એ કેસમાં ઘણા મોટા માથા સંડોવાયેલા હતા પણ અંતે કશું આપણને જાણવા ના મળ્યું!
એ જ રીતે સલમાનખાન હિટ & રન કેસમાં પણ આપણને એમ હતું કે દોષીને સજા મળશે. એ કેસ 13 વર્ષ સૂધી ચાલ્યો પણ આપણને તેના ચુકાદાથી ન્યાય થયો હોય એવું ના લાગ્યું. તે જ રીતે હરણ મારવાના કેસમાં પણ સલમાનખાન, સેફખાન, સોનાલી બેન્દ્રે, કરિશ્માકપૂર વગેરે છૂટી ગયા. લાગે છે કે આપણાં દેશમાં અદાલતની દેવીને એટલે પટ્ટી બાંધવામાં આવે છે, જેથી તે આવા વગવાળા લોકોના દોષ ના જોઈ શકે. અને તે લોકો છૂટી જાય! છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈશું તો ખબર પડશે કે એવા કેટલા મર્ડર અને બીજા કેસો છે, જેમાં ન્યાય થયો નથી અને એ બધા કેસ સાથે કોઈને કોઈ વગ ધરાવતી વ્યક્તિ સંકલાયેલી છે! આરૂષિ મર્ડર કેસ, સીના બોરા મર્ડર કેસ, પ્રદ્યુમન ઠાકોર મર્ડર-કેસ,અમરસિંગ ચમકીલા મર્ડર કેસ, સુનંદા પુષ્કર મર્ડરકેસ, નીરજ ગ્રોવર મર્ડર કેસ, અદનાન પટારવાલા, હજી તો લિસ્ટ લાંબુ છે.... લખતા લખતા થાકી જવાય એટલું. આ બધા જ કેસમાં દોષીને સજા મળેલ નથી!
આપણે ત્યાં હાલતા કોઈ ધનિક કુટુંબના નબીરાઓ હિટ & રન કેસમાં છૂટી જવા જોતાં મળે છે, જાણે કે ફૂટપાથ પર સૂતેલા કે ચાલી રહેલા લોકોની જિંદગીનું કોઈ મુલ્ય જ નથી!
નિર્ભયા ગેંગરેપ કેસમાં પણ જો આટલો હોબાળો ના થયો હોત તો દોષીઓને સજા મળેત ખરી? આ સવાલ પણ આપણે આપણી જાતને પૂછવા જેવો ખરો!! જેવુ મર્ડર કેસમાં થાય છે, એવું જ રેપના કેસોમાં પણ થાય છે. બહુ થોડી સ્ત્રીઓને ન્યાય મળે છે. ભારતમાં જ્યાં સ્ત્રીઓને નવરાત્રિ દરમિયાન માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યાં સ્ટેટ-વાઇઝ રેપના આંકડા જાણીએ ત્યારે ખબર પડે કે આપણે હજી સ્ત્રીઓને સલામતી નથી આપી શક્યા! હમણાં મૂંબઈમાં કુર્લામાં 24 વર્ષની મહિલા સાથે થયેલા રેપની વિગતો જાણીએ તો ખબર પડે કે રેપ કરનાર સ્ત્રીઓ સાથે કેવી બર્બરતા આચરવામાં આવે છે. હવે તો નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ પણ આ દૂષણનો ભોગ બની રહી છે. જેમ આપણાં દેશમાં અનેક મર્ડર કેસ વણ-ઉકેલાયેલા રહી ગયા છે, એમ જ રેપ કેસિઝનું પણ એવું જ છે!
વગદાર આરોપીઓ બહુ સિફત-પૂર્વર્ક છટકી જતાં હોય છે. હકીકત તો એ છે કે જ્યારે આવા વગદાર લોકોના કેસ આવે, મીડિયા અને પોલીસ બંને શરૂ-શરૂમાં બહુ કવરેજ આપે છે, પણ પછી એ કવરેજ ધીમે ધીમે ઘટતું જાય છે! આની પાછળ ક્યૂ પરિબળ જવાબદાર છે? એ આપણને સૌને ખબર જ છે. આવા કેસો અમુક વર્ગના લોકો માટે મોટી કમાણીનું માધ્યમ બની રહેતા હોય છે.
અમુક કિસ્સાઓમાં તો પોલીસે ખુદ પુરાવાઓના નાશ કર્યાના પુરાવાઑ હોય છે! સૌ પોત-પોતાના હિસ્સા માટે દોડવા લાગે છે. અને હિસ્સો મળી જાય એટલે કેસ ક્યાક બીજી દિશામાં જ ફ્ંટાઈ જતાં હોય છે. આવા કેટલાયે રેપ કેસીઝ છે, જેમાં આરોપીને સરળતાથી જામીન મળી જતાં હોય છે. અને તેઓ નિર્દોષ પણ છૂટી જતાં હોય છે. હાથરસ ગેંગરેપ કેસ, કઠુઆ રેપ-કેસ, ઉન્નાવ રેપ કેસ, બદાઉન રેપ કેસ.... અહી પણ લિસ્ટ લાંબુ છે.
ઘણા કિસ્સાઓમાં તો ફરિયાદ કરનારની એફ.આઈ.આર. પણ નોંધવામાં આવતી નથી! પછી એ કેસ કોઈ મંત્રી કે મુખ્ય-મંત્રી પાસે જાય ત્યારે તેની વિષે માહિતી મેળવવા પૉલિસ દોડા-દોડી કરી મૂકે છે. શું કોઈ સામાન્ય વ્યક્તિ આવીને ફરિયાદ કરે તો તેના આધારે પગલાં લેવાની પોલીસની ફરજ નથી હોતી?
આપણાં દેશમાં બે કાયદાઓ છે, ધનિક અને વગદાર માટે અલગ અને ગરીબ અને લાગવગ વગરના માટે અલગ! વળી ઘણા કિસ્સાઓમાં જેઓને ફાંસીની સજા થઈ હોય છે, તેઓની સજાને જન્મ-ટીપની સજામાં ફેરવી નાખવામાં આવે છે. સમય વીતે એટલે શું અપરાધની કક્ષા બદલાઈ જતી હશે? આવા લોકોની સજા ઓછી કરવાથી તેઓ તો બદલાતા નથી, પણ જે લોકો આવા કૃત્યો કરે છે, તેઓના મનમાથી સજાનો ડર નીકળી જતો હોય છે.
આપણાં દેશમાં નાના નાનાં ગુનાઓ માથી લોકોને આબાદ છટકવા મળી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનારને કે પછી સ્કૂલ કે કોલેજની પરીક્ષામાં ચોરી કરનારને, લાંચ લેતા પકડાઈ જનાર ઓફિસરને, કોઈના ઘરમાં કે દુકાનમાં ચોરી કરનારને, પૈસાના જોરે નિર્દોષ જાહેર થવાનું બળ મળી રહે છે. તમને થશે જે રાજકારણીઓ મોટા મોટા કોભાંડોમાં પકડાય અને છૂટી જાય છે, તેમના વિષે કઈ નહી, અરે યાર તેઓ માટે એક અલગ આર્ટીકલ ફાળવવો પડે! જો આ જ રીતે આપણી વ્યવસ્થાઓ નાણાંના જોરે ચાલતી રહેશે તો, આપણે માત્ર કુદરતના ન્યાય પર જ આધાર રાખવો પડશે.
લાઈક, કમેંટ,શેર.............
Money equals power, power makes the law, and law makes government. Kim Stanley