Saturday, 11 May 2024

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

 

 કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક......... 

Covishield Side Effects: पैनिक न हों ...

 

 

                 દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. કોરોના પહેલા એવી ઘણી બાબતો હતી, જે આપણને સરળ લાગતી હતી પણ કોરોના બાદ સમજાયું કે આ તો સાલું અઘરું છે અને એ સમજણ બાદ ઘણા લોકોની જીવનશૈલી પણ ઘરમૂળથી બદલાઈ ગઈ છે. જે લોકો કોરોના પહેલા બાળક નહોતા ઇચ્છતા, તેઓ કોરોના બાદ મોટી ઉંમરે પણ બાળક માંગવા લાગ્યા છે. લોકોને કુટુંબનું મહત્વ પણ સમજાવા લાગ્યું છે, સિંગલ ચાઇલ્ડ અંગેના લોકોના વિચારોમાં પણ ફેરફારો થવા લાગ્યા છે. એવી જ રીતે કોરોના બાદ લોકોના આરોગ્ય અંગેના વિચારોમાં ધરખમ પરીવર્તન આવી ગયું છે.  

    હા કોરોનાની એક આડઅસર સ્વરૂપે બાળકોમાં અને યુવાનોમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટસનો ઉપયોગ વધી ગયો છે. પણ આપણે એ વાત આજે અહી નથી કરવી. આપણે તો વાત કરવી છે અને સાચી વાત કરવી છે, વેક્સિન અને વધતાં હાર્ટ-એટેક વચ્ચેના સંબંધની. છેલ્લા એકાદ વર્ષથી ભારતમાં હાર્ટ-એટેકના કેસીઝ અને એટેકથી થતાં મૃત્યુનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આ કોવિશિલ્ડ કે કોવેક્સિનની વેક્સિનને લીધે હાર્ટ-એટેકથી થતાં મૃત્યુ વધી રહ્યા છે.

 

   સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડ નામની કોવિડ-19 રસીનું ઉત્પાદન કર્યું હતું પરંતુ mRNA પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો. તે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. રસીમાં, એક ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ થયેલો. તે કોવિડ -19 સ્પાઇક પ્રોટીનને મનુષ્યના કોષોમાં વહન કરવા સક્ષમ બનાવવા માટે સંશોધિત કરવામાં આવ્યું છે. આ કોલ્ડ વાયરસ મૂળભૂત રીતે કોરોના સંક્રમણને રોકી શકતું નથી, પરંતુ તે રોગપ્રતિકારક તંત્રને આવા વાયરસ સામે મિકેનિઝમ તૈયાર કરવા માટે ખૂબ જ સારી રીતે શીખવી શકે છે. .  

TTS એ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ છે, જે મૂળભૂત રીતે મગજની રક્ત વાહિનીઓમાં અથવા અન્ય જગ્યાએ, પ્લેટલેટની ઓછી સંખ્યા સાથે ગંઠાઈ જાય છે. ઘણી વાર,આ ગંઠાવાનું હૃદય સુધી જઈ શકે છે, જેને લીધે  હૃદયરોગના હુમલા અથવા મગજમાં સ્ટ્રોક આવવાનું કારણ બની શકે છે.અને આવું કોવિશિલ્ડ કે કોવેક્સિનને લીધે થઈ રહ્યું છે, એવી અફવાઓ ફેલાઈ રહી હતી. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ માર્ચ 2024 માં ડાયલોગ્સ - નેવિગેટિંગ ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર' ખાતે જણાવ્યું હતું કે ICMR એ એક વિગતવાર અભ્યાસ કર્યો છે જે દર્શાવે છે કે કોવિડ -19 રસી હૃદયરોગના હુમલા માટે જવાબદાર નથી અને વ્યક્તિની જીવનશૈલી અને પરિબળો જેવા કે દારૂનું વધુ પડતું સેવનપાયાના કારણો પૈકી હોઈ શકે છે.

 

   દેશમાં કોવિડ-19 સામે રસીકરણ કરાયેલા લગભગ 90 ટકા ભારતીયોએ કોવિશિલ્ડ લીધું હોવાનો અંદાજ છે. TTS વિશેના અહેવાલો સાર્વજનિક થયા ત્યારથી, ઘણા ડૉક્ટરોને સંભવિત હાર્ટ એટેક સામે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે જાણવા માંગતા લોકો હોસ્પિટલ્સ તરફ દોડી રહ્યા છે. ઘણાએવા લોકો પણ છે જેમણે રસીકરણ પછી પ્રિયજનોને ગુમાવ્યા છે અને હવે તેઓ તેમના મૃત્યુને કોવિશિલ્ડ સાથે સંબંધિત છે અને ઉત્પાદકો સામે દાવો કરવા કોર્ટમાં જવાની ધમકી આપી રહ્યા છે.

   ઘણા દર્દીઓ અને દર્દીઓના સગાઓ દ્વારા ડોકટર્સને ધમકીઑ પણ આપી રહ્યા છે કે આ ક્યારેક જ થતી આડઅસર વિષે તમારે અમોને માહિતગાર કરવાની જરૂર હતી. પણ ડોકટર્સનું કહેવું છે કે કોવિડ ચેપ રક્ત ગંઠાઈ જવાની વૃત્તિમાં વધારો કરે છે, જે હાર્ટ એટેક, સેરેબ્રલ સ્ટ્રોક, ડીપ વેઈન થ્રોમ્બોસિસ અથવા પેરિફેરલ ધમની થ્રોમ્બોસિસ જેવા લોહીના ગંઠાવાનું વિકાસને કારણે થતા તમામ રોગોનું જોખમ વધારે છે. પરંતુ આ જોખમ જીવનભરનું જોખમ નથી. આ જોખમ મુખ્યત્વે કોવિડ ચેપ દરમિયાન અને ચેપ પછી અમુક સમયગાળા (1-2 મહિના) માટે હોય છે. એટલા માટે જોખમ ઘટાડવા માટે તે સમયગાળા દરમિયાન રક્ત પાતળું થાય એવી દવાઓ સૂચવવામાં આવે છે. સંશોધન મુજબ કોવિડ-19 પછી હાર્ટ સ્ટ્રોકમાં વધારો થવાના કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી પરંતુ તે બળતરા, થ્રોમ્બોસિસ અને એન્ડોથેલિયલ નુકસાનની પ્લિયોટ્રોપિક અસરોને કારણે થઈ શકે છે. અને એ પણ 100000 દર્દીઓમાં 1 ને થઈ શકે છે.

   સાચી માહિતી એ જ બધા રોગોનું નિદાન અને સારવાર છે. માટે સોસિયલ મીડિયા પર આવતી ખોટી અને બિનજરૂરી માહિતીને ધ્યાનમાં લઈ ગભરાઈ ના જઈએ. સાથે સાથે આવી માહિતીની ચકાસણી કર્યા વિના શેર પણ ના કરીએ. ખોટું શેરિંગ તો એ ક્લોટિંગ છે, જેનાથી લોકોમાં ડરનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. અને રોગ કરતાં પણ રોગનો ડર વધુ ખતરનાક હોય છે. 

  શારીરિક શ્રમની બાદબાકી અને ખોટા ખોરાકને લીધે આજે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ-એટેક આવી રહ્યા છે. માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને લાંબુ અને મોજ-મસ્તીભર્યું જીવીએ. સરળ જીવનશૈલી સૌથી મહત્વની વેક્સિન છે.

 

    

 

 

"

 

   

Friday, 3 May 2024

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

Happy women's day with the banner template

 

   હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી, એક નિદાન-કેમ્પની જાહેરાત હતી, તમને ભવિષ્યમાં ક્યાં રોગો થવાની સંભાવના છે? એ પ્રશ્નનો જવાબ આજે મેળવો અને એ રોગો ના થાય તે માટે અત્યારથી જાગૃતિ કેળવો એ પણ દવા લઈને! અને પછી નીચે જાહેરાતમાં જુદા જુદા રોગો અંગે જાગૃતિ લાવવા આપણે જે જે દિવસો ઉજવીએ છીએ, તેનું મેનુ આપેલું હતું, જે વાંચીને મને પ્રશ્ન થયો કે શું આ દિવસો ઊજવતાં રહેવાથી ખરેખર જાગૃતિ આવે છે કે પછી નવું બજાર ઊભું કરવાની આ નવી માર્કેટિંગ સ્ટાઈલ છે? જવાબ તમારા પર છોડું છુ.

       જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના મહિનાઓની યાદી તૈયાર કરીશું તો સમજાશે કે દરેક માહિનામાં 20/25 દિવસો તો એવા છે જ જેને આપણે જે તે દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ.  મહિનાનો દરેક દિવસ કોઈને કોઈએ બાબત પ્રત્યે જાગૃતિ લાવવા ઉજવાતો રહે છે. પણ માત્ર ઉજવાતો રહે છે, એ બાબતો પ્રત્યે જાગૃતિ આવે છે ખરી? મોટાભાગના દિવસો વર્ષોથી ઉજવાતા આવે છે. શું આપણને એ બાબતોને લઈને સમાજ જરાપણ જાગૃત થયો હોય એવું લાગે છે ખરી? આ દિવસો માત્ર ને માત્ર જનરલ નોલેજના પેપર્સના પ્રશ્નો બની રહી ગયા હોય એવું લાગતું રહે છે.

  વિશ્વ પર્યાવરણ દિવસ છેલ્લા 52 વર્ષોથી આપણે ઉજવીએ છીએ, શું આપણે પર્યાવરણની સુરક્ષા બાબતે જાગૃત થયા છીએ? છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પર્યાવરણની જે હાલત જોઈ રહ્યા છીએ, ક્યાય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની અસરો દેખાતી હોય એવું નથી લાગી રહ્યું! વૃક્ષો કપાય રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, પ્લાસ્ટિકનો વપરાશ જરાપણ ઘટી નથી રહ્યો. ઋતુઓનો મિજાજ બદલાઈ રહ્યો છે. પૃથ્વી વધુ ને વધુ ગરમ થઈ રહી છે.  પર્યાવરણ જાગૃતિ બાબતે હજી આપણે સુષુપ્ત અવસ્થામાં જ છીએ.

    આવા દિવસોનું મહત્વ ફોટા પાડ્યા સિવાય કશું રહ્યું નથી.  મોટા મોટા કાર્યક્રમો થાય, સરકારે આપેલી ગ્રાન્ટ થોડી થોડી વપરાય ( બાકીની ક્યાં જાય છે? બધાને ખબર છે) વિશ્વ પર્યાવરણ દિવસે ઉગાડેલા વૃક્ષોમાથી 95% વૃક્ષોનું ચાર-પાંચ દિવસો બાદ અસ્તિત્વ પણ હોતું નથી. નથી વૃક્ષો ઉછરતા કે નથી પૃથ્વીની શોભા વધતી! આવું મોટા ભાગના દિવસો વખતે થતું હોય છે. 1 દિવસ ઉજવવાનો અને બાકીના 364 દિવસો દરમિયાન જેમ હતું તેમ ને તેમ! તે દિવસે સોસિયલ મીડિયામાં દિવસનો ચળકાટ રહે અને બાકીના દિવસો દરમિયાન અંધારું!

     કેટલા બધા રોગોને લઈને દિવસો ઉજવાતા રહે છે, કેટલા લોકોમાં એ રોગો પ્રત્યે સભાનતા આવી? રોગ કરતા પણ વધુ ખતરનાક રોગનો ડર હોય છે, અને દિવસોની ઉજવણી કરીને જાણે કે લોકોમાં એ ડર ઊભો કરવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. વિશ્વ કેન્સર દિવસ ઉજવીએ કે ડાયાબિટીસ ડે ઉજવીએ આ રોગ ધરાવનાર લોકોની સંખ્યા ઘટી નથી રહી! ઉલટાનું વધી રહી છે. આ દિવસોની ઉજવણી જાગૃતિ લાવી રહી છે કે ડર ઊભો કરી રહી છે? એ નક્કી કરવા વળી એક નવો દિવસ ઊભો કરવો પડશે!

   સ્માઇલ કરવાના કે ખુશ રહેવાના પણ દિવસો ઉજવવામાં આવે છે. શું આપણે હવે માણસોને ખુશ રહેવા પ્રત્યે પણ જાગૃત કરવા પડશે! અરે સંબંધોના પણ દિવસો મધર્સ-ડે, ફાધર્સ-ડે, ડોટર-ડે, બ્રધર્સ-ડે, વગેરે વગેરે યાદી લાંબી છે. ડે-સેલિબ્રેટ કરવા માતા-પિતાને ઘરે લઈ આવવાના અને પછી બીજા દિવસે..... આપણી પાસે મજબૂત ફેમેલી સિસ્ટમ છે, અરે 24* 365 જે સંબંધો હોય એના માટે પણ દિવસો ઉજવવાના!  ડોટર્સ-ડે ઉજવાતો રહે છે, પણ ભ્રૂણ-હત્યાઓ અટકી નથી રહી!  વીમેન્સ-ડે ઉજવીએ છીએ, પણ ગામડાની સ્ત્રીઓ હજી આજે પણ 16મી સદીઓના પ્રશ્નો સામે ઝઝૂમી રહી છે. સમાન વેતન માટે પણ ફાંફા મારી રહી છે.

        હકીકત તો એ છે કે આમાથી મોટા ભાગના દિવસો બજારે નક્કી કરેલા છે.  જેમકે વેલેન્ટાઇન ડે આ દિવસ હવે પ્રેમનો દિવસ નથી રહ્યો એ તો ફૂલો, ભેટો અને પાર્ટીઓના સેલિબ્રેશનનો દિવસ બની રહી ગયો છે!  જેના દ્વારા વેપારી કંપનીઓનો નફો સતત વધી રહ્યો છે. એસોચેમના 2023ના રીપોર્ટ મુજબ એકલા ભારતમાં જ વેલેન્ટાઇન ડે નું માર્કેટ 25000 કરોડનું છે! આવું લગભગ મોટા ભાગના દિવસોની ઉજવણીમાં થઈ રહ્યું છે. જે દિવસને પ્રખ્યાત કરવો હોય તેના પ્રમોશન માટે આખું એક નેટવર્ક ઊભું થઈ જતું હોય છે. અને એ નેટવર્કમાં લોકો ફસાઈ જતાં હોય છે. દવાથી માંડીને બીજી તમામ કંપનીઓ દિવસોની ઉજવણીમાં આ જ કામ કરતી હોય છે.  દિવસોની ઉજવણી એ મોટી મોટી કંપનીઓ દ્વારા ઊભું કરેલું એ જાળું છે, જેમાં ગ્રાહકો ફસાઈ રહ્યા છે અને ખર્ચાઈ રહ્યા છે.

  

 

 

Friday, 26 April 2024

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?
मानसिक रूप से मजबूत बनने के तरीके और उपाय - Mansik roop se majboot kaise  bane aur iske upay

   તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપશે. એમાં પૂંછવાનું શું હોય, જેને અમે સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ તેઓ અમારા મન અને મગજમાં રહેતા હોય છે. પણ શું આ જવાબ સાચો છે! આ એક પ્રશ્ન મોટા ભાગની વ્યક્તિઓએ પોતાની જાતને પુંછી લેવાની જરૂર છે. હવે તેમ કહેશો કેમ? આપણામાથી મોટા ભાગના લોકોના મન અને મગજમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ એવી રહે છે, જેને આપણે જરાપણ પસંદ નથી કરતાં પણ કોઈને કોઈ કારણોસર આપણે તેઓને એવોઈડ નથી કરી શકતા. તેમની સાથે જરૂરી ના હોવા છતા સરખામણી કરતાં રહીએ છીએ અને માનસિક રોગોને આમંત્રણ આપતા રહીએ છીએ.

તમે મને કામ ગમે તેટલું આપો, હું નહી થાકું, પણ કચ કચ અને માનસિક ટોર્ચરિંગથી થાકી જવાય છે. આવું આજકાલ સતત આપણે ઘરોમાં અને કામ કરવાના સ્થળે સાંભળી રહ્યા છીએ. માણસો કામના ઓવરડોઝથી નહી, પણ માનસિક ત્રાસથી કંટાળી જતાં હોય છે. માણસનું મશીન સાથેનું કોમ્યુનિકેશન એકદમ સરળ છે, પણ માણસ-માણસ વચ્ચેનું કોમ્યુનિકેશન દિવસે ને દિવસે વધુ ને વધુ કોમ્પલીકેટેડ બનતું જાય છે. એકબીજાને પાછળ રાખી દેવાની હોડમાં માણસો પોતે પાછળ રહી જતાં હોય છે, પણ એક બાબત તેઓ નથી સમજતા કે જિંદગીમાં આગળ વધવા દરેકનો હાઇ-વે અલગ અલગ હોય છે. અકસ્માત ત્યારે જ થાય છે, જ્યારે આપણે કોઈને બિનજરૂરી રીતે ઓવર-ટેક કરવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ!

        સતત સ્ટ્રેસ હેઠળ જિંદગીઓ ખર્ચાઈ રહી છે. એકબીજાની પાસે રહેનાર વ્યક્તિઓ સાથે રહેવાની લાગણીઓને જાણે કે હાંસિયામાં ધકેલીને બિનજરૂરી સંબંધો પાછળ દોડી રહી છે. સાથે રહી જ નહી શકાય એવી પરિસ્થિતિઓના સુનામી આવી રહ્યા છે. ઘરોમાં સૌથી મોટું ધમસાણ સાસુ અને વહુ વચ્ચે થતું રહે છે. એક પોતાનું વર્ષો જૂનું સ્થાન ટકાવી રાખવા અને એક પોતાનું સ્થાન જમાવવા સતત પ્રયાસો કરતાં રહે છે. અને એ પ્રયાસોને લીધે મોટા ભાગના ઘરોમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. અને પુરુષો શાંતિ શોધવા ઘરની બહાર નીકળી પડતાં હોય છે.

  નાની નાની બાબતોમાં એકબીજા વચ્ચેનું અંતર વધતું જ જાય છે. તું આમ કરતી નથી, અમારા સમયે તો અમારે આવું કરવું જ પડતું હતું! એવી કચ કચ મોટા ભાગની સાસુઓ કરતી જ રહે છે. અને એ કહે એમ જ મારે જીવવાનું એમ કહીને વહુઓ ફરિયાદ કરતી રહે છે. આમ થવું જોઈએ અને આમ નહી, એની લાંબી યાદીઑ ઘરમાં ઘોંઘાટ ઊભા કરતી રહે છે. તેણીને કામ કરવું ગમતું જ નથી અને મારે જ બધુ કામ કરવાનું! આ બંને વાક્યો ઘરોને રોજ ધમરોળતા રહે છે.

   જેઓને એકબીજા સાથે સતત રહેવાનુ છે, તેઓ જ એકબીજા માટે માનસિક ટેન્શન ઊભું કરતાં રહે છે. ઘણીવાર તો બેમાથી એકને મનોચિકિત્સક પાસે લઈ જવા પડે છે. સ્ત્રીઓની વાતોનો મોટો હિસ્સો આ સંબંધોની ચર્ચાઓમાં ખર્ચાઈ જતો હોય છે. સ્વભાવ ફેરને કારણે એકબીજા સાથે ના બને એ વાતને આ સંબંધો એટલી સિરિયસલી લઈ લેતા હોય છે કે ઘરોમાં હેપી વાઈબ્સ જાણે કે ઊભા થવાના જ બંધ થઈ જાય છે. ડ્રોઈંગરૂમના ઝઘડા બેડરૂમની લાગણીઓને પણ વીંખી નાખતા હોય છે. એકબીજાની નાની નાની બાબતોમાં વાંધા શોધ્યા વિના એકબીજાને સહારે જીવનને આગળ લઈ જઈશું તો મકાન ઘર બની જશે અને સુખના સરનામાં બહાર શોધવા નહી નીકળવું પડે.

 સેમ આ પરિસ્થિતી કામના સ્થળની હોય છે. અહી તો એવી હોડ છે, જેની કોઈ ફિનિશિંગ લાઇન જ નથી. “ યહાં કિસી કો કોઈ રસ્તા નહી દેતાં મુજે ગિરા કે અગર તુમ સંભલ સકો તો ચલો. બસ આ લાઇન મુજબ જિંદગી દોડતી રહે છે, અને જ્યાં દોડધામ વધુ હોય ત્યાં કલેશ પણ વધુ હોવાના જ. અહી પણ વાક્યો એના એજ રહે છે, બસ માત્ર સ્થાનો બદલાતા રહે છે. બોસથી કર્મચારીઓ ખુશ નથી અને કર્મચારીઓથી બોસ! મોટા ભાગના લોકોની જિંદગીમાં મહાભારતના કર્ણની જેમ એક અર્જુન છે, જેને પાછળ રાખી દેવા તે અધર્મ અને અનીતિના રસ્તે નીકળી પડે છે. આખી જિંદગી આવા બિનજરૂરી સંઘર્ષોમાં ખર્ચાઈ જાય છે. અને આપણને લાગતું રહે છે કે દુનિયામાં સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે. પણ ખુદને અને દુનિયાને એ લેવલે લઈ જવા માટે આપણી આ એકબીજાને હેરાન કરવાની વૃતિ જ જવાબદાર છે.

  આવી પરિસ્થિતિઓમાં આપણા જીવનની અને કામની ગુણવત્તા ઘટી જતી હોય છે અને આપણે ખુદ આગળ નથી વધી શકતા. હકીકત તો એ છે કે આપણા મોટા ભાગના શારીરીક અને માનસિક રોગોનું મૂળ ક્યાંક ને ક્યાંક આ માનસિક ટોર્ચરિંગ સાથે બંધાયેલું છે. માટે જિંદગીને રેસ નહી, રીલે રેસ સમજીએ અને એકબીજાને આગળ લઈ જવામાં મદદ કરતાં રહીએ.

 

 

 



Inline image

Saturday, 20 April 2024

વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાવને સમજાવતા

 

વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાવને સમજાવતા

 What is Transmedia Storytelling? < DR. PAM | MEDIA PSYCHOLOGIST

 

      એક હતો રાજા, એક રાણી અને એક રાક્ષસ. રાક્ષસ રાણીને હેરાન કરતો હતો, એટલે રાજાએ તેને મારી નાખ્યો. ને રાજા-રાણી એ ખાધું, પીધું અને રાજ કર્યું ,અને અમે બોલી ઉઠતાં કારેલાનું શાક કર્યું. નાના હતા, ત્યારે દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળવાની મોજ જ કઈક અલગ હતી. દાદા-દાદી પાસે વાર્તાઓનો અખૂટ ખજાનો ભરેલો રહેતો, જેમાથી રોજ એક નવી વાર્તા નીકળતી અને આપણે સૌ સાંભળતા. દાદા-દાદી સાથે લાગણીના તારે આપણને આ વાર્તાઓ જ જોડતી, જે તાંતણા જીંદગીભર તૂટતાં નહી. ઘણીવાર કોઈ વાર્તા એટલી બધી ગમી જતી કે દાદા-દાદીએ નિયમિતપણે એ રીપીટ કરવી પડતી. રામાયણ અને મહાભારતના મોટા ભાગના પ્રસંગો વાર્તા સ્વરૂપે જ સૌપ્રથમ આપણે સાંભળી હતી.

  દાદા-દાદીની વાર્તાઓના પાત્રો જંગલના પશુ-પક્ષીઓ બધુ જ આવી જતું. તેઓને બોલતા કરીને આપણને નાનપણમાં જીવન જીવવા માટે ઉપયોગી મૂલ્યો શીખવવામાં આવતા. સત્ય અને પ્રામાણિકતાના પાઠ ભણાવવામાં આવતા. ઇસપની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, વગેરે દ્વારા આપણામાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતું. મનોવિજ્ઞાન મુજબ જે બાબતો બાળકોને અને હવે તો યુવાનો, પ્રોઢો, વૃદ્ધોને વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે, તે તેઓને તરત જ યાદ રહી જાય છે અને એ લાંબો સમય સુધી યાદ પણ રહે છે.

  સદીઓ પહેલા રાજા અમરશકિતના ત્રણ તોફાની રાજકુમારોને જીવનના મૂલ્યો અને સંસ્કારો શીખવવા વિષ્ણુગુપ્ત નામના આચાર્યએ પંચતંત્રની વાર્તાઓ બનાવેલી. અને આજે આપણું ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારનું શિક્ષણ આ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. આજના પ્રખ્યાત યુ-ટ્યૂબર વિરલ ખાન સર અને મોટી-વેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ કપિલ શર્મા શોમાં કહેલું કે જે બાબતો આપણે વિદ્યાર્થીઓને વાર્તાઓ દ્વારા શીખવીએ છીએ, તે બાબતો તેઓને તરત યાદ રહી જતી હોય છે. એટલે ભણવામાં દરેક ટોપીક જેમાં વાર્તા બનાવવી શકય હોય એમાં વાર્તા-પદ્ધતિનો ઉપયોગ કરવો.

 હનુમાન કે કૃષ્ણના પાત્રો આપણી કાલ્પનિક દુનિયામાં આ વાર્તાઓ થકી જ એન્ટર થયેલા. હનુમાન જેવા શક્તિશાળી બની આકાશમાં ઉડવાના સપના આપણે વાર્તા થકી જ જોતાં શિખેલા. એ વાર્તાઓની જ દુનિયા હતી, જેણે આપણાં ઈમેજીનેશન પાવરને રીચાર્જ કરવાનું કામ કરેલું. નાનપણ ગયું, પણ હજી કોઈ વાર્તા કહે તો આપણે એના તરફ તરત આકર્ષાઈ જતાં હોઈએ છીએ. અને હવે એ જ વાર્તાઓ સ્ટોરી-ટેલિંગ સ્વરૂપે અપડેટ થઈને આપણાં સૌની જિંદગીમાં પાછી આવી છે.

  “સ્ટોરીટેલિંગ એટલે સાંભળનારની  કલ્પનાને પ્રોત્સાહિત કરવા માટે વાર્તા કહેતી વખતે  વાર્તાના પાત્રો અને તત્વોને પ્રગટ કરવા માટે શબ્દો અને ક્રિયાઓનો ઉપયોગ કરવાની ઇન્ટરેક્ટિવ કળા.” સરળ શબ્દોમાં કહીએ તો વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર વચ્ચે પુલ બાંધવાની કળા એટલે સ્ટોરી-ટેલિંગ. આ બીજી કળાઓની જેમ એક કળા છે, જેમાં સર્જનાત્મકતા, આવડત, વિઝન અને પ્રેક્ટિસ જરૂરી છે. એક સારો વાર્તાકાર સાંભળનાર વ્યક્તિઓની આસપાસ એક એવું દ્રશ્ય ખડું કરી દે છે, કે સાંભળનાર એ દુનિયામાં જ ખોવાય જાય છે.

  ઘણા લોકો આજકાલ આ કલાને પ્રોફેશન પણ બનાવી રહ્યા છે. પુખ્તવયના લોકો પણ વાર્તા સાંભળવાનો આનંદ માણી શકે તે માટે સ્ટોરી-ટેલિંગ ના ફેસ્ટિવલ્સ પણ યોજવામાં આવે છે. લોકોમાં મોટી ઉંમરે પણ બાળકોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતા જાળવી રાખવા માટે ઘણી જગ્યાએ માત્ર પુખ્તવયના લોકો માટે આ ફેસ્ટિવલ્સનું આયોજન કરવામાં આવે છે. સ્પોકન ફેસ્ટ, બોમ્બે સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ, કથાકાર, કથાલોક અને ઉદયપુર ટેલ્સ જેવી મોટી ઈવેન્ટના ભાગરૂપે વાર્તા કહેવા અથવા તેને દર્શાવવા પર કેન્દ્રિત વિવિધ તહેવારો છે..વાર્તાઓ સાંભળવાના નિર્ભેળ આનંદ માટે આ  તહેવારોની  શરૂઆત થઈ હતી. તમિલ ભયાનક લોક વાર્તા, રાજસ્થાની ફાડ કલાકારો, સંગીતની વાર્તા કહેવાની અને વ્યક્તિગત વાર્તાઓ. વૈવિધ્યસભર ભાષાઓ, ચહેરાના હાવભાવ, અવાજ મોડ્યુલેશન, હલનચલન અને ગીતનો ઉપયોગ કરીને, વાર્તાકારોએ દ્રશ્ય સહાય વિના દરેક વાર્તામાં પોતાનો જીવ રેડી દીધેલો. આ કલાકારો ત્યાં હાજર પુખ્તવયના લોકોને તેઓના બાળપણની દુનિયામાં લઈ જાય છે.  

  મોટા મોટા ઔદ્યોગિક ગૃહોમાં આજકાલ કર્મચારીઓને તાલીમ અને મોટીવેશન આપવા આ સ્ટોરી-ટેલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 1996 માં, વાર્તાકાર ગીતા રામાનુજમે બેંગલુરુમાં કથાલય ઇન્ટરનેશનલ એકેડમી ઓફ સ્ટોરીટેલિંગની સ્થાપના કરી. પુખ્ત વયના લોકો અને બાળકો માટે વાર્તા કહેવાની જાગૃતિ પેદા કરવા ઇ.સ. 2005માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉત્સવનું આયોજન કરેલૂ. ઇ.સ. 2003 માં, અકાદમીએ મૂળભૂત અને અદ્યતન વાર્તા કહેવાના અભ્યાસક્રમો શરૂ કર્યા અને ત્યારથી વર્કશોપ અને અભ્યાસક્રમો દ્વારા 99,000 લોકોને તાલીમ આપી છે. આવી રીતે અનેક લોકો સ્ટોરી-ટેલિંગ દ્વારા બાળકો અને વૃદ્ધો સુધી પહોંચી રહ્યા છે.

  જો કે આજકાલ મોટા ભાગના ઘરોમાં દાદા-દાદીની બાદબાકી થઈ રહી છે. એટલે બાળપણ અને ઘડપણ વચ્ચેનો સ્ટોરી-ટેલિંગનો સેતુ તૂટી રહ્યો છે. દાદા-દાદી પાસે વાર્તા સાંભળવા બેઠેલા બાળકોનું ચિત્ર આજે ઘરોમાથી ભૂંસાઈ રહ્યું છે. દાદા-દાદી તરફથી બાળકોને મળતો આ ભવ્ય વારસો આજે લુપ્ત થઈ રહ્યો છે. જો આપણે આપણાં બાળકોને આપણાં રીતિ-રિવાજો, સંસ્કૃતિ અને તહેવારો સાથે જોડવા ઇચ્છતા હોઈશું તો સ્ટોરી-ટેલિંગ પાછું લાવવું પડશે.

  

  

Friday, 12 April 2024

શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???


શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???
 
Indian Education System Needs Serious Reforms

 

     શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી સંભાવનાને શોધી નથી રહ્યા અને માતા-પિતા પોતાના સંતાનોની ક્ષમતાઓને સમજી નથી રહ્યા. અત્યારની શિક્ષણપદ્ધતિના આ સૌથી મોટા સત્યો છે. પણ આ સત્યો કોઈને સ્વીકારવાં નથી. કારણકે સત્યથી દૂર ભાગવાની આપણાં સૌની જૂની આદત છે. આપણી શિક્ષણપદ્ધતી દરેક વિદ્યાર્થીઓને એક જ લાકડીથી હાંકી રહી છે. આજકાલના વર્ગ-ખંડોની સૌથી મોટી સમસ્યા છે, જે બાળકોને ભણવું નથી. તેઓને જ્ઞાન સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓને મન શાળા કે કોલેજ એટલે ટાઇમપાસ કરવાનું શ્રેસ્ઠ સ્થળ... અને આવા વિદ્યાર્થીઑ સાથે માથાકૂટ વધુ થવાને લીધે વર્ગ-શિક્ષણ વધુ ને વધુ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. વળી આવા વિદ્યાર્થીઓ પણ જાજા છે.

  દરજીના દીકરાને દરજી નથી થવું, ખેડૂતના સંતાનો ખેતીથી ભાગી રહ્યા છે, મજૂરી કરવી એ તો જાણે અપરાધ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. બધાને એવું લાગી રહ્યું છે કે ભણીને માત્ર વાઇટ કોલર જોબ જ મેળવી શકાય છે. ભણીને પણ ખેડૂત કે દરજી કે પ્લંબર બની શકાય છે. એવી વિચારધારા તો જાણે કે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. બધા એક જ દીશા તરફ દોડી રહ્યા છે, જેને લીધે આજે આપણને અમુક ક્ષેત્રોમાં કામ કરનારા લોકો જ નથી મળી રહ્યા. નથી સારા કલાકારો મળી રહ્યા કે નથી સારા રમતવીરો મળી રહ્યા!

   શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા 40/45 બાળકો હોય છે. એટલે કે એક વર્ગમાં 40/45 વ્યક્તિત્વો હોય છે. અને વળી બધા જ એકબીજાથી અલગ અલગ! કોઈને રમતમાં રસ છે, તો કોઈને કળામાં તો વળી કોઈને સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાવું ગમે છે. કોઈને પ્રયોગો કરવા ગમે છે, તો કોઈને કવિતાઓ વાંચવી અને લખવી ગમતી હોય છે. દરેક બાળકના રસનો વિષય અલગ અલગ હોય છે, પણ આપણી શિક્ષણ-પ્રથા તો બધા માટે એક જ સરખી રહે છે.

     આજે બાળકો બહુ નાની ઉંમરે સ્કૂલના પગથિયાં ચડતાં થઈ ગયા છે.  સાત વર્ષ સુધી તે પેહલા આસપાસના પર્યાવરણમાથી જે કઈ નેચરલી શીખતું હતું, એ ઉંમર તેની ફરજિયાત શિક્ષણમાં ખર્ચાઈ જાય છે. મનોવિજ્ઞાન મુજબ 0થી4 વર્ષ દરમિયાન બાળક સૌથી વધુ ગ્રાસપિંગ કરતું હોય છે, અને એ તેની એ ઉંમર જ શાળાની ચાર દિવાલો વચ્ચે ભીંસાઈ જાય છે. તેઓને ગમે છે, કઈક બીજું અને તેઓ કરી રહ્યા છે કઈક બીજું! નાના બાળકોની પતંગિયા જેવી કલરફૂલ દુનિયાને આપણે યુનિફોર્મ પહેરાવીને રંગહીન કરી દિધી છે.  તેઓને આપણે ખીલવાનો મોકો જ નથી આપી રહ્યા. એક રૂટિન મુજબ જે કઈ શીખવાનું હોય તે બધુ તેઓ પર થોપી રહ્યા છીએ. સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન વચ્ચે તેઓની દુનિયા ભુલભુલામણીમાં ખોવાઈ ગઈ છે. 

  જે રીતે એક માળી પોતાના બાગના દરેક ફૂલને, દરેક છોડને સિંચે છે, એમ જ આપણે પણ બાળકોને સિંચવાના હોય છે, પણ આપણે તો તેઓને વહેલી તકે સ્કૂલોને સોંપીને એ જવાબદારીમાથી છટકવા માંગીએ છીએ. નહી ભણે તો શું કરીશ? એવું કહીને  જે માતા-પિતા પોતાના બાળકોને જીંદગીની રેસમાં દોડાવી રહ્યા છે, તેઓને ખબર નથી કે તેઓ બાળકોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતાને ખતમ કરી રહ્યા છે. તે એક ખીલવા મથતા ફૂલને ફરજિયાત શો-પીસ બનાવીને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. તેઓ પોતાના જ સંતાનોમાં રહેલી સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે. તેઓમાં રહેલી મૌલિકતા અને સર્જનાત્મકતાને કેદ કરી રહ્યા છે.

   મોટા ભાગના માતા-પિતા પોતાના બાળકોને એક એવા બજારને હવાલે સોંપી રહ્યા છે, જ્યાં માત્ર ખણખણતા સિક્કાઓ જ ચાલતા હોય છે. આજે કોઈ સારી સંસ્થાની ફી જાણીશું તો ખ્યાલ આવશે કે આપણાં સૌની આવકનો એક બહુ મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચાઈ રહ્યો છે. અને એ પણ બિનજરૂરી રીતે! શિક્ષણ વાસ્તવિકતાથી પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ ગયું છે. જે કાઇપણ આપણે પુસ્તકોમાથી બાળકોને શીખવાડી રહ્યા છીએ, તે એટલું બધુ આઉટડેટેડ થઈ ગયું છે કે એમાં બાળકોને આગળના શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપી શકાય એવું કશું છે જ નહી. નથી પુસ્તકો અપડેટ થતાં કે નથી અપડેટ થતાં શિક્ષકો! સરકારને આંકડાઓ સાથે અને ખાનગી શાળાઓને ફી સાથે જ માત્ર લેવાદેવા છે.

  મોટા ભાગની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન કરતી જ નથી. ઢગલો માર્કસ આપી દેવા અને દસમા ધોરણ સુધી પાસ કરી દેવા. પછી એ બાળક જ્યારે દસમામાં આવે, ત્યારે ખબર પડે કે આને તો વાંચતાં પણ નથી આવડતું! અને એથી પણ વધુ એ જ વિદ્યાર્થી જ્યારે વાસ્તવિક જીવનમાં પગ મૂકે છે, તો તેને ખુદને એવું લાગે છે કે હું ભણ્યો હતો, એવું તો અહી કશું છે જ નહી! 

  ભણીશું એટલે  તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. એવું આપણને લાગતું હતું, પણ હવે શિક્ષણ જ સૌથી મોટી સમસ્યા બની રહી ગયું છે.

 

Tuesday, 9 April 2024

કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે ‘જિંદગી’

 કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે જિંદગી

 

Holi 2024 Date, History and Significance in India

જિંદગીમાં નવા રંગો ઉમેરતા રહેવા જરૂરી છે. હકીકત તો એ છે કે વિવિધતા અને નવીનતા એ જિંદગીના એ રંગો છે, જેના થકી જિંદગીનું ચિત્ર એકદમ કલરફૂલ બની જતું હોય છે. આપણાં સૌના જીવનમાં રંગોનું મહત્વ અનેરું હોય છે. દરેકનો એક ફેવરિટ રંગ હોય છે. અને મનોવિજ્ઞાન એમ કહે છે કે એ ફેવરિટ રંગને આધારે લોકોનું વ્યક્તિત્વ જાણી શકાય છે. વ્યક્તિને ઓળખી શકાય છે! અને સાથે સાથે મનોવિજ્ઞાન એમ પણ કે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ રંગોની પસંદગી બાબતે વધુ પર્ટીક્યુલર હોય છે!

  નાના હતા ત્યારે વિજ્ઞાનમા પ્રાથમિક અને ગૌણ રંગો ભણવામાં આવતા. પ્રાથમિક રંગોને ભેગા કરીએ એટલે ગૌણ રંગો બને! સફેદ રંગ પર પ્રકાશ રીફલેક્ટ કરીએ એટલે અનેક રંગોમાં તેનું વિભાજન થાય અને એ બધા રંગોને ભેગા કરીએ એટલે સફેદ રંગ પાછો મળે! (જિંદગીમાં જેઓ સુખ અને દૂ:ખ બંનેના રંગોને સ્વીકારે છે, તેઓની જિંદગી પણ અનેક રંગોમાં વિભાજિત થઈને મેઘધનુષ જેવી બની રહે છે.) તો વળી  મેઘધનુષના રંગોને જાનીવાલીપીનારા સૂત્ર બનાવી યાદ રાખતા. અને વર્ષાઋતુમાં જ્યારે મેઘધનુષ જોવા મળી જતું, તો ઉત્સવ જેવો આનંદ મનમાં છવાઇ જતો!

  પ્રેમનો રંગ સૌથી પાકો હોય છે, એના વગર જિંદગીનું ચિત્ર સાવ ફિક્કું લાગવાનુ. સંબંધો છે, તો હ્રદય ધબકતું રહેવાનુ! કાર્ડિયોગ્રામની લાઈનો સીધી ના થઈ જાય એ માટે, મિત્રતાના રંગો જિંદગીમાં ઉમેરતા રહીએ. એક એવો રંગ જેના થકી જિંદગી કાયમ વિસ્તરતી રહે છે, વિકસતી રહે છે, એ લાગણીઓનો રંગ! આ રંગો જિંદગીના પ્રાથમિક રંગો છે. જેના થકી જિંદગીમાં બીજા રંગો ઉમેરાતા રહે છે. માટે બીજા કોઈ બિનજરૂરી, આંખો આંજી નાખે તેવા રંગોની પાછળ દોડીને આ રંગોને અવગણવા નહી.....

  સફેદ અને કાળો બંને રંગહીન કલર છે. આપણે ત્યાં તો દરેક પ્રસંગ માટે, દરેક ધર્મ માટે, દરેકના ભગવાન માટે અલગ અલગ રંગ નક્કી થયેલો છે. શુભ પ્રસંગોના રંગ અલગ, અશુભ પ્રસંગોના રંગ અલગ!. અને એ રંગ પસંદગી પાછળ વૈજ્ઞાનિક સત્ય પણ છે! જો કે કાળા રંગને આપણે બિચારાને ખરાબ પ્રસંગો સાથે જોડી દીધો છે, પણ યાદ રહે ભૂતકાળમાં જિંદગી ‘white & black’ જ હતી, એ તો હવે એ રંગીન બની છે. જિંદગીમાં કાળા રંગ રૂપી અંધકાર છે, તો આપણે પ્રકાશના મહત્વને સમજી શકીએ છીએ.

  કુદરત તો આપણી પાસે અનેક રંગો લઈને આવે છે, બસ આપણને એ રંગો જિંદગીના કેનવાસ પર પાથરતા આવડવા જોઈએ. અને સૌથી અગત્યનું એ રંગોને માણવા માટેનો સમય આપણી પાસે હોવો જોઈએ. એ રોજ સવારે ઊગતા સૂર્ય સાથે રંગોની ગરિમા લઈને આવે છે, પક્ષીઓના કલરવનો રંગ એમાં ઉમેરાતો રહે છે, વૃક્ષોનો રંગ, ફૂલોના રંગ, ફળોના રંગ, વગેરે વગેરે રંગો સાથે એ આપણાં કેનવાસને રંગીન બનાવવાની તકો આપે છે. અને જ્યારે સાંજે ઢળતો સુરજ તેના આછા આછા રંગો થકી આપણને નવી સવાર માટે આવજો કહે છે, ત્યારે આપણને આખા દિવસના થાકના રંગો સમજાવે છે, કે જિંદગીમાં શાંતિના રંગો પણ જરૂરી છે!

   સાંજે  ઘરની અગાશી પરથી આકાશ સામે નજર મંડાય જાય, તો ખબર પડે કે આકાશ કેટલા કેટલા રંગો લઈને આપણને મળવા આવે છે. આકાશ જેટલું રંગીન કોઈ નથી. આપણે માણસો પણ ગઝબ છીએ, ઘરની અગાશી પરથી દેખાતા આવા અનુપમ સૌંદર્યને છોડીને આપણે પૈસા ખર્ચીને એ જ રંગો જોવા દૂર જતાં હોઈએ છીએ. એમાં પણ જો કોઈ સાંજે સંધ્યા ખીલી હોય તો એ રંગો થકી જીંદગીની એ ક્ષણો અનલિમિટેડ આનંદથી ભરાઈ જતી હોય છે.

  નાના હોય ત્યારે નિખાલસતાનો રંગ, તરુણ હોઈએ ત્યારે હોર્મોન્સના રંગો, યુવાનીમાં જોશના રંગો અને વૃદ્ધત્વ આવે ત્યારે સમજણના રંગો આપણી પર ચડતા રહે છે. અને એટલે જ કદાચ માણસ ઉંમરના દરેક તબક્કે અલગ અલગ રંગનો લાગતો રહે છે!  અને ઘણા લોકો તો રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ રાખી દેતા હોય છે. સામેવાળાનું સ્ટેટસ જોઈને તેઓ રંગ બદલી નાખતા હોય છે. જ્યારે કેટલાક લોકો કાયમ રંગહીન જ રહેતા હોય છે.  ગુલઝાર સાહેબે સરસ લખ્યું છે, “ માના કી ઇતને બહેતરીન નહી હૈ હમ, લેકિન બાત બાત પર રંગ બદલે, ઇતને ભી રંગીન નહી હે હમ.

  જો કે નાનપણનો પારદર્શક રંગ આપણી આસપાસ જળવાય રહે, તો જિંદગીમાં ખુશીના રંગોની રંગોળી કાયમ હ્રદયના આંગણે રચાતી રહે છે. જેની પાસેથી જે શીખવા મળે એ શીખવાનો રંગ જિંદગીમાં ટૂ બી કંટીન્યુ રાખવા જેવો ખરો. અમુક ઉંમર બાદ અમુક રંગો સારા ના લાગે કે નવા રંગો ઉમેરી ના શકાય એ માન્યતાને નવા વિચારોના રંગો થકી છેકી નાખવી. બંધ રહેતી બારીઓને ખોલી નાખવી, જેથી દીવાલો સિવાયના રંગોને પણ માણી શકાય.

 

 




  •  or 

  • ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

        ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...